Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

હવે જામજોધપુર ખાતરના ડેપોમાં ઓછા વજનવાળી બોરીઓનો પર્દાફાશ

ધારાસભ્ય ચિરાગ કાલરીયા અને કિશાન અગ્રણી પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં તપાસ કરતા કૌભાંડ ઝડપાયુઃ સરકાર સામે આક્ષેપો : ખાતરનું કૌભાંડ ખુલતા મઘરવાડા સહકારી મંડળીમાં પણ ખાતરનું વેચાણ બંધ

ખંભાળીયા, તા. ૧૦ :. ગઈકાલે ખાતરની બોરીઓમાં ઓછો વજન હોવાનું ખુલ્યા બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, ત્યારે આજે જામનગર જિલ્લાના જામજોધપુરમાં પણ ખાતરમાં વજન ઓછું હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે.

જેતપુર સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે ખાતર કૌભાંડ પકડાયા બાદ આ કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનું ખુલ્યુ હતું ત્યારે આજે જામજોધપુર ખાતે જીએટીએલના ખાતરના ડેપો ઉપર જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા અને કિશાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ગોડાઉનમાં પડેલી સરદાર એપીએસ બ્રાન્ડ અને એનપીકે બ્રાન્ડના ખાતરની બોરીઓમાં ૩૦૦થી ૫૦૦ ગ્રામ જેટલુ વજન ઓછુ હોવાનું ખુલ્યુ હતું.

રાજ્યના પૂર્વ કૃષિમંત્રીનું ગામ અને વર્તમાન કૃષિમંત્રીના જિલ્લામાં ખાતરનું કૌભાંડ ઝડપાતા ચિરાગભાઈ કાલરીયા અને પાલભાઈ આંબલીયાએ જણાવ્યુ હતુ કે, કૃષિમંત્રી અને જીએસએફસીના અધિકારીઓ કહેતા હતા કે આ ટેકનિકલ ભૂલ છે. જો ટેકનિકલ ભૂલ હોય તો એક જથ્થામાં જ ખાતરમાં વજનનો ઘટાડો જોવા મળે પરંતુ આ ટેકનિકલ ફોલ્ટ નથી પરંતુ બુદ્ધિપૂર્વક રીતે ખેડૂતોને લૂંટવા માટેનુ ષડયંત્ર-કૌભાંડ છે તેવો આક્રોશ વ્યકત કર્યો છે. તેમજ આ પ્રકરણની તાત્કાલીક તપાસ કરવા માંગણી કરી છે.

દરમિયાન રાજકોટ નજીકના મઘરવાડા ગામમાં પણ ખેડૂતોએ આક્રોશ વ્યકત કર્યો છે અને સહકારી મંડળીમાં દરોડો પાડયો હતો. ૨૦૧૩માં પણ ખેડૂતો દ્વારા ખેડૂતો દ્વારા છેતરપીંડીની ફરીયાદ કરવામાં આવી હતી અને જેમા જણાવાયુ હતુ કે કુવાડવા સહકારી મંડળીમાંથી ખરીદેલુ ખાતર ઓછુ હતું. આ ખાતરનું કૌભાંડ ખુલતા મઘરવાડા સહકારી મંડળીમાં પણ ખાતરનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યુ છે.

(1:46 pm IST)