Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ઝાલાવાડમાં નર્મદા કેનાલમાંથી પાણી ચોરી અટકાવવા તંત્ર સજ્જ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે પાણી ચોરી રોકવા જાહેરનામુ બહાર પાડયું : પાણી ચોરો કે બગાડ કરનારાઓ સામે થશે શિક્ષાત્મક કાર્યવાહી

વઢવાણ, તા. ૧૦ : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ અને પાઇપ લાઇનો દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં ઉનાળા સિઝનમાં આકરા તાપમાન વચ્ચે લોકોને પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાઇ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના પણ છેવાડાના ગામો સુધી પુરૂ પાણી નહિં પહોંચવાના કારણે હાલ ભારે દેકારો બોલ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની પાઇપ લાઇન સાથે પાણી માટે ચેડા કરનાર તત્વોની હવે ખેર નથી અને આ મામલામાં હાલમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ખાસ કરીને એક જાહેરનામુ બહાર પાડવા માટેની ફરજ પડેલ છે. ત્યારે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ જાહેર કરાયા બાદ પણ પાણી ચોરી કરતા તત્વો જો ન અટકે તો કાર્યવાહી કરી અને પોલીસ ફરીયાદ કરી ગુનો કર્યો હોવાની ફરીયાદ નોંધાવવામાં આવનાર હોવાનું જાહેરનામામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્ર દ્વારા પાણી ચોરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ખેતરો સુધી, ખેડુતો દ્વારા ગેરકાયદેસરના પંપો મૂકીને પાણી લઇ જવાય છે, પરંતુ હાલમાં જો આ રીતે જોવા મળશે કે ધ્યાન ઉપર આવશે તો તંત્ર દ્વારા ૭/૧રમાં નોંધ સહિત કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવવામાં આવેલ છે.

આ ઉપરાંત પસાર થતી પાણીની પાઇપલાઇન સાથે જો ચેડા કરેલા ધ્યાન ઉપર આવશે તો તેવા વ્યકિતઓ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ અંગે પાણી પુરવઠા વિભાગના સુત્રો પાસેથી જાણવા મળી રહેલ વિગતો મુજબમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગ લીમીટેડ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલો આધારીત એન.સી. ર૬/ર૭/ પહોંચાડવા માટેની કામગીરી હાલમાં કાર્યરત છે.

આ પ્રોજેકટની પાઇપલાઇન સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય છે જે છેવાડા સુધી પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું પહોંચતુ કરે છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાંથી પસાર થતી પાણીની પાઇપ લાઇનના જથ્થાનું પાણી પીવા માટે ન્યાયીક રીતે સમાન ધોરણે વિતરણ કરવાનો ઉમદા હેતુથી લોકહિતને ધ્યાને રાખી પાણી ચોરી અટકાવવા બાબતે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેર હિતમાં સુરેન્દ્રનગર જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ એન.ડી. ઝાલાએ જાહેરનામુ બહાર પાડીને જીલ્લામાંથી પસાર થતી જી ડબલ્યુ આઇ.એલ. પ્રોજેકટ પીવાના પાણીની ટાંકીથી શરૂ થાય છે ત્યારે આ પીવાના પાણીની પાઇપ લાઇનમાંથી જો સંસ્થા કે ખાતેદાર બિનઅધિકૃત રીતે જો પાઇપલાઇન ઉપર લગાવેલ એર વાલ્વ સુઝ વાલ્વ, સ્કારવાલ્વ જીરોવેલોસીટી વાલ્વ સાથે ચેડા કરીને ખેતરોમાં જો પીયત કરવાની આ કામગીરી કરાવી અથવા પાઇપલાઇનો તોડીને પાણીની ચોરી કરવામાં આવે અથવા તો કોઇ વ્યકિત સંસ્થા કે ખાતેદારના ખેતરમાં આવેલ પાઇપ લાઇન તેમજ એર વાલ્વના સાથે ચેડા કરી ભૂર્ગભ પાઇપલાઇન નેટવર્ક મારફતે અન્ય ખેતરમાં ગેરકાયદેસર રીતે જો પીવાના પાણીની ચોરી કરીને બગાડ કરવામાં જો આવે તો કાર્યવાહી અને સજાની જોગવાઇ આ ઉપરાંત ખેત તલાવડી કરીને ઇલેકટ્રીક કે ડિઝલ મશીનરી મારફતે પણ જો ખેતરોમાં પીયત કરવાની કામગીરી કરવી નહીં પાણીનો દુરઉપયોગ કરનારા બગાડનારા-વેચાણ કરવા વાળા આ નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.

(9:41 am IST)