Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સૌરાષ્ટ્રમાં ખોડલધામ, સતાધાર, પરબ સહિતનાં મંદિરો- ભોજનશાળા બંધ:ચૈત્રી નવરાત્રિનાં ઉત્સવો રદ કરાયા

--નાગલનેસ શિરોડા ધામ માતાજીનું મંદીર પણ બંધ : રફાળેશ્વર મંદિરે પણ તા. ૧૧-૫ સુધી પિતૃકાર્ય અને નારણ બલી સહિતની ધાર્મિક વિધિઓ બંધ :ઈસ્કોન રાજકોટ સહિતનાં મંદિરોમાં દર્શનનો સમય ઘટાડવામાં આવ્યો 

ફોટો

રાજકોટ : સૌરાષ્ટ્રમાં હવે શહેરો જ નહિ ગામડાઓમાં પણ કોરોના ચિંતાજનક હદે પ્રસરી રહયો છે ત્યારે મંદિરોમાં ભીડ એકત્ર ન થાય તે માટે પ્રસિધ્ધ મંદિરો ખોડલધામ, સતાધાર, પરબ સહિતનાં દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે ભોજનશાળા પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવયો છે તો ઈસ્કોન રાજકોટ સહિત સહિતનાં મંદિરોમાં દર્શનનો સમય ઘટાડવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં પ્રસિધ્ધ મંદિરોમાં ભાવિકો હજારોની સંખ્યામાં ઉમટતા હોય છે ચૈત્રી નવરાત્રી શરુ થઈ રહી હોય અનેક ધાર્મિક જગ્યાઓમાં નવ દિવસનાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ પરંતુ કોરોનાનો કહેર વધી રહયો હોય એક પછી એક ઉત્સવો રદ કરવાની અને મંદિરો હાલ બંધ કરવાની જાહેરાત કરી રહયા છે

જેતપુર પાસે આવેલુ ખોડલધામ મંદિર આવતીકાલથી તા. ૩૦ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરબ ધામ તા. ૭ થી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવ્યુ છે. ભોજન શાળા પણ બંધ રખાઈ છે માત્ર રાત્રે આરતી મર્યાદિત લોકોની હાજરીમાં થશે. સતાધાર ધામમાં પણ તા. ૧૦ થી આગામી તા. ૩૦ એપ્રીલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભોજન - ઉતારાની વ્યવસ્થા પણ યાત્રિકો માટે બંધ રાખવામાં આવી છે.

મેંદરડા નજીક આવેલા નાગલનેસ શિરોડા ધામ માતાજીનું મંદીર પણ બંધ કરવામાં આવ્યુ છે. ધોરાજી તાલુકામાં પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગરે યોજાનાર ચેૈત્રિ નવરાત્રિ મહોત્સવ રદ કરવામાં આવ્યો છે. જો કે સવારના ૬ થી સાંજના ૬ સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે. ઈસ્કોન મંદિર રાજકોટમાં પણ સવાર સાંજ માત્ર બે કલાક જ મંદિર માત્ર દર્શન માટે ખુલ્લુ રાખવામાં આવશે. સોૈરાષ્ટ્રની અનેક ધાર્મિક જગ્યાઓમાં રામ નવમી, હનુમાન જયંતી અને ચૈત્રી નવરાત્રીનાં ઉત્સવો રદ કરવામાં આવી રહયા છે. મોરબીના રફાળેશ્વર મંદિરે પણ તા. ૧૧-૫ સુધી પિતૃકાર્ય અને નારણ બલી સહિતની ધાર્મિક વિધિઓ બંધ રાખવામાં આવશે.

 

(10:22 am IST)