Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

જંગલના રાજાને રજવાડી વાઘા પહેરાવતુ પરીમલ નથવાણીનું 'ગીર-લાયન' !

સાંસદ અને સૌરાષ્ટ્રના સપૂત દ્વારા વનપ્રેમીઓ અને તજજ્ઞો સહિત બધા માટે નિર્મિત રસપ્રદ કોફી ટેબલ બુક : મુકેશ ધીરૂભાઈ અંબાણીએ ગુજરાતના સિંહ સંવર્ધનના પ્રમાણીક પ્રયાસોની કરી સરાહનાઃ સિંહાવલોકન બન્યુ રસપ્રદ

જામનગર, તા. ૧૦ :. રાજ્યસભાના સાંસદ અને સૌરાષ્ટ્રના સપૂત પરિમલભાઈ નથવાણી હંમેશા કાંઈક અવનવીન સંશોધન, પ્રશ્નો તથા રચના કરતા જ રહ્યા છે. તાજેતરમાં જંગલના રાજા એશીયાઈ સિંહને સંપૂર્ણ રાજવી ઠાઠમાઠ સાથે રજુ કર્યુ છે. તેમની કોફી ટેબલ બુક વન્ય જીવ પ્રેમીઓ, સંશોધકો તથા ગરવા ગુજરાતીઓમાં ભારે રસપ્રદ બની છે. સૌથી રસપ્રદ બાબત તો એ છે કે, આ પુસ્તકની પ્રસ્તાવના રીલાયન્સના સી.એમ.ડી. શ્રી મુકેશ અંબાણીએ કર્યુ છે અને ગુજરાતના વનરાજ સંવર્ધનના પ્રયાસોની સરાહના કરી છે.

પરિમલભાઈએ ઝીણવટભરી વિગતો માટે ખૂબ જ ઉંડાણભર્યો અભ્યાસ અને પ્રવાસ કરીને જંગલના રાજાશાહી લાયન અને ગીરના આ ડાલામથ્થાને ખૂબ જ રાજવી ઠાઠમાઠથી રજૂ કરી સૌની વાહ-વાહ મેળવી છે.

રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના અદના સેવક પરિમલભાઈ નથવાણીએ આ પુસ્તક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કર્યુ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે નરેન્દ્રભાઈ મોદીએ તમામ વન્યપ્રાણીના સંવર્ધન અને ખાસ કરીને ગીરના સિંહો માટે તમામ બાબતે કાળજી લેવા માટે અગ્રીમ ફાળો આપ્યો છે.

ગીરના સિંહને અનુલક્ષીને લખાયેલા કોફી ટેબલ બુકમાં કરોડો વર્ષના પ્રાગૈતિહાસિક કાળનું સિંહાવલોકન છે. શ્રી નથવાણીએ એશીયાટીક સિંહો માટે લોકો જે આગવી લાક્ષણીકતાઓથી અજાણ છે. તેના પર આગવી રીતે પ્રકાશ પાડયો છે.

રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ગીરના સિંહો માટે વિશ્વભરમાંથી લોકોને આકર્ષવા માટે જે પરિણામલક્ષી કામગીરી કરી છે તેને આ પુસ્તકમાં તથા પુસ્તકની પ્રસ્તાવનામાં રિલાયન્સના સીએમડી મુકેશભાઈ અંબાણીએ હર્ષભેર આવકારી છે.

એક તરફ ગીરમાં અને તેની આજુબાજુના વિસ્તારોમાં રહેલા ખડતલ અને નીડર માનવ સમુદાય સાથે ગીરના સાવજના સહ અસ્તીત્વ અંગેની રોમાંચક માહિતીનું આલેખન છે તો બીજી તરફ સિંહોના સ્થળાંતર સામેના ભયસ્થાનોને પણ સુંદર રીતે આલેખ્યા છે.

શ્રી નથવાણીએ આ પુસ્તકમા મધ્યપ્રદેશમા ગીરના સાવજના સ્થળાંતર માટે સૌથી મોટુ ભયસ્થાન તરીકે ત્યાંના વાઘ સાથે સિંહનું ઘર્ષણનું નિરૂપણ કર્યુ છે.

સાથો સાથ એવો ભય પણ વ્યકત કરાયો છે કે જો મધ્યપ્રદેશ કે અન્ય સ્થળોએ સિંહોનું સ્થળાંતર કરાશે તો સિંહોના શિકારનું પ્રમાણ આપતિજનક રીતે વધશે.

ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત નામની આ રસપ્રદ કોફી ટેબલ બુકમાં સિંહની અનેકવિધ એવી લાક્ષણિકતાઓ આલેખી છે જેનાથી ખૂબ જ મોટો સમુદાય બેખબર હતો.

વળી આ પુસ્તકમાં એશીયાઈ સિંહો (કેસરી) તથા આફ્રીકન સિંહોની તુલનાત્મક અને રસપ્રદ માહિતીનું પણ નિરૂપણ કરવામાં આવ્યુ છે તો સાથોસાથ પ્રોજેકટ ટાઈગર માટે તથા સિંહના રક્ષણ માટે ફાળવાતી નાણાકીય સહાયમાં રહેલી અસમાનતાને પણ સુંદર રીતે વણી લીધી છે.

પરીમલભાઈએ સિંહને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે મહિમાપૂર્ણ કરવાની જરૂર પર ભાર મુકી જંગલના રાજા ઉપરાંત ગીરમાં વસતા તમામ વન્ય પ્રાણીઓ, પક્ષીઓ તથા અલભ્ય ઔષધીઓ અંગે પણ રોચક તથા રસપ્રત માહિતી આપી છે.

ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત પુસ્તકને પોતાની આગવી સુઝબુઝ તથા સરળ રીતે રજુ કરીને ઋજી હૃદયના સાંસદ પરીમલભાઈ નથવાણીએ તેમના પશુ-પંખી પ્રેમની ભાવના પણ વ્યકત કરી છે.

આ પુસ્તકમાં અમુક અલભ્ય તસ્વીરોએ કોફી ટેબલ બુકમાં પ્રાણ રેડી દીધો છે. જંગલના રાજા, ગુજરાતનું ગૌરવ તથા જંગલ કેસરીને એક અલગ અદામાં રજુ કરીને તેમણે ગુજરાતીઓ તથા વન્યપ્રેમીઓના દીલ પણ જીતી લીધા છે. આ પુસ્તકને તમામ બુક સ્ટોરમાં પણ ટાઈમ્સ ગ્રુપ બુક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે.

(4:03 pm IST)