Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

જવાહર બાદ હળવદ કોંગ્રેસ સભ્ય સાબરિયાનું રાજીનામું

ચાર કલાકમાં બે ધારાસભ્યોના રાજીનામા પડ્યાઃ રાજીનામાના ઘટનાક્રમ વચ્ચે અલ્પેશ કોંગી હાઇકમાન્ડને મળી આવ્યાની ચર્ચા : પત્નીના નામે લોકસભાની ટિકિટ

હળવદ,તા. ૮: લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં પક્ષ પલટાની સીઝન બરાબરની ખીલી છે. કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો વંડી ઠેકીને ભાજપમાં જઈ રહ્યાં છે. હજી આજે જ માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં જોડાયા તેને ચાર કલાક પણ નથી થયા ત્યાં કોંગ્રેસમાંથી વધુ એક રાજીનામું પડ્યું છે.  કોંગ્રેસના હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દેતાં ચાર કલાકમાં બે ધારાસભ્યોના રાજીનામાં પડતાં કોંગ્રેસની છાવણીમાં સન્નાટો પથરાઇ ગયો હતો. બીજીબાજુ, ભાજપમાં જોડાવાની ચાલેલી અટકળો વચ્ચે કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે દિલ્હીમાં કોંગી હાઇકમાન્ડના નેતાઓને મળી આવ્યા હતા. અલ્પેશ ઠાકોરે એહમદ પટેલ અને રાજીવ સાતવ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી અને પત્નીના નામે લોકસભાની ટિકિટ ફાઇનલ કરી અલ્પેશ ઠાકોરે પોતાની માંગ મનાવી લીધી હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. કોંગ્રેસના હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં ગુજરાતમાં આયારામ ગયારામની સીઝન પણ શરૂ થઈ છે. પહેલા કુંવરજી બાવળીયા, ત્યારબાદ આશા પટેલ, આજે જવાહર ચાવડા અને હવે પરસોત્તમ સાબરિયાએ પણ કોંગ્રેસને અલવિદા કરી છે. તેમણે જવાહર ચાવડાના ભાજપમાં શામેલ થયાના ગણતરીના કલાકોમાં જ પોતાનું રાજીનામું ધરી દીધું છે. હવે તેઓ પણ ભાજપમાં જોડાય તેવું કહેવાઈ રહ્યું છે. જોકે રાજીનામું આપ્યા બાદ તેઓ કયારે ભાજપમાં જોડાશે તેને લઈને પરસોત્તમ સાબરિયાએ કોઈ ખુલાસો કર્યો નથી. જો કે, તેમણે એટલું સ્પષ્ટ કર્યું છે કે, તેમને તક મળશે એટલે તુરંત જ તેઓ ભાજપમાં જોડાશે. આમ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાવવા જઈ રહ્યાં છે તે સ્પષ્ટ થઈ ગયું છે. જોકે તેઓ લોકાસભાની ચૂંટણી લડશે કે કેમ તેને લઈને સાબરિયાએ કોઈ જ ખુલાસો કર્યો નહોતો. હજી ગઈકાલે જ કોંગ્રેસે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ત્યાં બીજા જ દિવસે કોંગ્રેસને એક પછી એક કમરતોડ ફટકા પડી રહ્યાં છે. આજે એક જ દિવસમાં કોંગ્રેસને બે ફટકા પડ્યા હતાં. પહેલા જવાહર ચાવડા અને ત્યાર બાદ પરસોત્તમ સાબરિયાએ કોંગ્રેસનો હાથ છેલ્લી ઘડીએ છોડીને કમળને વ્હાલુ કર્યું હતું. જેને પગલે કોંગ્રેસની છાવણીમાં ચિંતાના મોજા સાથે સન્નાટો પથરાઇ ગયો છે. તો, બીજીબાજુ, ભાજપ તેની રાજકીય કૂટનીતિમાં સફળ થઇ રહ્યુ છે અને બહુ પ્લાનીંગ સાથે આગળ વધી રહ્યું હોવાની વાત પણ સામે આવી રહી છે.

(10:13 pm IST)