Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

ભુજ પાલિકાના વોર્ડ નં. ૬ની પેટા ચૂંટણીમાં સોશ્યલ મીડિયામાં ભાજપના બે જૂથ વચ્ચે ટાંટીયા ખેંચ

ભુજ તા. ૯ : ભુજ નગરપાલિકાના વોર્ડન. ૬ ની એક બેઠકની પેટા ચૂંટણી આવતીકાલે રવિવારે થશે. પણ, ભુજ શહેરમાં ચર્ચા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ચાલતા પ્રચારયુદ્ઘ ના બદલે ભુજ શહેર ભાજપના બે સંગઠન વચ્ચે ચાલતા આંતરિક યુદ્ઘની છે. ૧૦ મી માર્ચે રવિવારે ભાજપના ભૌમિક વચ્છરાજાની અને કોંગ્રેસના ચેતન રવિલાલ શાહ વચ્ચે મુકાબલો થશે. પણ, ભાજપના ઉમેદવાર ભૌમિક વચ્છરાજાની માટે સૌથી મોટો સવાલ તેમના વિરુદ્ઘ થઈ રહેલા સોશ્યલ મીડિયાના પ્રચારયુદ્ઘ નો છે. અત્યારે ભુજમાં ભૌમિક વચ્છરાજાનીની એક જૂની ઓડિયો કલીપ ફરી રહી છે. જેમાં તેઓ કેશુબાપા અને સુરેશ મહેતાની પાર્ટીમાં હતા ત્યારે ટીવીના ઇન્ટરવ્યૂ માં ભાજપે ભુજના વ્યાપારીઓ માટે કંઈ નથી કર્યું એવું કહીને ભાજપને ભાંડી રહ્યા છે. આ કલીપ જૈન સમાજના વ્યાપારીઓને પુર માં નુકસાન થયું હતું તે સમયની છે. વોર્ડ ન. ૬ માં જૈન અને લોહાણા મતદારો ની સંખ્યા વધુ છે. બે દિવસ થયા હવે લોહાણા સમાજના નામે એક નનામી પત્રિકા ફરતી થઈ છે.

જેમાં ૨૮૦૦ મતદાર લોહાણા હોવા છતાં લોહાણા સમાજના ઉમેદવારને બદલે ૩૦૦ મતદાર ધરાવતા નાગર સમાજના ઉમેદવારને અપાયેલી ટિકિટનો વિરોધ કરી ઉમેદવારને મતદાનમાં જવાબ આપવા જણાવાયું છે. પત્રિકામાં ટિકિટ માટે દાવેદારી કરનાર લોહાણા સમાજના ભાજપના ૬ આગેવાનોના નામ પણ લખવામાં આવ્યા છે.

પેટા ચૂંટણી આ વિસ્તારના લોહાણા સમાજના ભાજપના નગરસેવક ધીરેન ઠક્કરને ત્રણ સંતાનો થતા તેઓ સભ્ય પદેથી ગેરલાયક ઠરતા તેમના રાજીનામાના કારણે થઈ રહી છે. જોકે, ભૌમિક વચ્છરાજાનીને તેમના ચૂંટણી પ્રચારના ગોડ ફાધર એવા નગરસેવક જગત વ્યાસ તેમ જ તેમના અન્ય યુવા નગરસેવકોનો અતિ ઉત્સાહ નડી રહ્યો છે. ટિકિટ ફાઇનલ કરવામાં સ્થાનિક જિલ્લા સંગઠન પર યુવા નગરસેવકોએ દબાણ લાવીને ભુજ વિસ્તારના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ભુજ પાલિકા પ્રમુખ લતાબેન સોલંકી તેમ જ કારોબારી ચેરમેન ભરત રાણા ને કોરાણે મૂકી દીધા, કર્ટ્સી ફોન પણ ન કર્યો. તેની વચ્ચે સૌથી મોટા મતદાર સમૂહ એવા લોહાણા સમાજમાં ભાજપ વિરુદ્ઘ અન્યાયનો ગણગણાટ શરૂ થયો. બીજી બાજુ વ્યાપારી એવા જૈન સમાજ માં પણ ભાજપ સામે નારાજગીનો સુર છે.

છેલ્લા ૪ વર્ષમાં ભુજ પાલિકાના ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારને કારણે પ્રજા ની વચ્ચે જઈને ભાજપની કામગીરી થી મત માંગી શકે તેવી પરિસ્થિતિ કોઈ નગરસેવકની નથી. એક માત્ર જગત વ્યાસની કામગીરી કંઈક ઠીક કહી શકાય તેવી છે. ત્યારે માત્ર એક નગરસેવકને આધારે ભાજપના ગઢ માં થી ચૂંટણી જીતવી એ ભૌમિક વચ્છરાજાની માટે પડકાર છે. જોકે, ધારાસભ્ય નીમાબેન ને મનાવી લીધા બાદ તેઓ અને સાંસદ વિનોદ ચાવડા તેમ જ જિલ્લા સંગઠન પ્રચારમાં જોડાયા છે. પણ, ભાજપમાં આંતરિક ધૂંધવાટ ઘણો જ છે.

સોશ્યલ મીડિયામાં જમેલ કલીપ અને પત્રિકા વોર ની અંદર ભાજપનું જ એક જૂથ સક્રિય છે. જોકે, આ કલીપ અને પત્રિકા સંદર્ભે ઉમેદવાર ભૌમિક વચ્છરાજાની અને તેમના આ ચૂંટણી ના ગોડ ફાધર એવા જગત વ્યાસની પ્રતિક્રિયા એકબીજા થી અલગ રહી હતી. ભૌમિક વચ્છરાજાનીએ ધારાસભ્ય, પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેનને ફોર્મ ભરતી વેળાએ સમયના અભાવે જાણ ન કરી શકાઈ હોવાનું, વ્યાપારીઓની નારાજગીની કલીપ જૂની હોવાનું અને પોતે તેમના પ્રશ્નો હવે ઉઠાવશે એવો પ્રતિભાવ આપ્યો હતો. તો લોહાણા સમાજની પત્રિકા વિશે અજાણતા વ્યકત કરી સમાજના આગેવાનો તેમની સાથે પ્રચારમાં હોવાનું જણાવ્યું હતું.

જયારે જગત વ્યાસે ધારાસભ્ય નીમાબેન આચાર્યને, પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેનને ફોર્મ ભરવા સમયે જાણ કરાઈ હોવાનું જણાવ્યું હતું. લોહાણા સમાજની નારાજગીનો પત્ર વિપક્ષ દ્વારા પ્રસારિત કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, ભાજપના લોહાણા આગેવાનોની નારાજગી પ્રચારમાં વર્તાઈ રહી છે અને છેક છેલ્લી ઘડી સુધી તેમના રિસામણા મનામણા કરાઈ રહ્યા છે.

(12:13 pm IST)