Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

વિરપુરનાં પૂ. જલારામ મંદિરમાં દાન લેવાનું બંધ કરાયું તેને ર૦ વર્ષ પુર્ણ

વિરપુર (જલારામ), તા., ૧૦: વિરપુરમાં પૂ. જલારામ બાપાના મંદિરે તા.૯-ર-ર૦૦૦ ના રોજથી દાન લેવાનું બંધ કર્યુહતું જેને ગઇકાલે ર૦ વર્ષ પુર્ણ થયા છે.

દેને કો ટુકડા ભલા લેને કો હરીનામ તેવી વાત કરનારા જલારામ બાપાએ વિરપુરમાં સદાવ્રત શરૂ કર્યુ હતું. જયાં આજે પણ રોજના સરેરાશ પ થી ૬ હજાર શ્રધ્ધાળુઓ ગરીબો ભોજન પ્રસાદ આપવામાં આવે છે. તહેવાર અને રજાના દિવસોમાં આ આંકડો ઘણો વધી જતો હોય છે. જો કે મહત્વની વાત એ છે કે વિરપુર જલારામ મંદિરમાં કયાંય દાન સ્વીકારવામાં આવતુ નથી દાન લીધા વગર પણ રોજના હજારો ભાવીક ભકતજનોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે.

તેમજ વિરપુર જલારામ મંંદિરમાં પણ ભકતજનોને ભોજનપ્રસાદ લઇને જ જવા મંદિરના સેવકો દ્વારા આગ્રહ કરવામાં આવે છે.

છેલ્લા ૧૯૮ વર્ષથી વિરપુરમાં શ્રધ્ધાળુઓને ભોજન આપતું સદાવ્રત કાર્યરત છે.

તા.૯ ફેબ્રુઆરી ર૦૦૦ના રોજ વિરપુરમાં જલારામ મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું હતું. અગાઉ મંદિરમાં રોકડ, અનાજ સહીતનું દાન આપવામાં આવતુ હતી. પરંતુ જલારામ બાપાના વંશ જ જયસુખરામ બાપાએ પરીવારજનોમાં ચર્ચા કરી મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરાવ્યું હતું.

દાન ના સ્વીકારવાના કારણમાં મંદિર જોડે પુરતુ દાન આવી ગયું હોવાની અને તે દાનથી આવનારા ૧૦૦ વર્ષ સુધી સદાવ્રત ચાલતુ રહેશે તેમ કહેવાય છે. જલારામ બાપાના આ મંદિરમાં દર વર્ષે શ્રધ્ધાળુઓની સંખ્યા વધતી રહે છે.

લોકોને ખવડાવવામાં માનતા જલારામ બાપાના તે વિચારોને આજે પણ તેમના મંદિરો દ્વારા આગળ વધારવામાં આવી રહયા છે. લોહાણા જ્ઞાતિના લોકો વિશેષ માને છે. ઉપરાંત દરેક જ્ઞાતિ ધર્મના લોકો જલારામ બાપાને માને છે.

જલારામ બાપા દરેક જ્ઞાતિ અને ધર્મના લોકોની વચ્ચે જઇને સેવાકીય પ્રવૃતીઓ કરતા હતા અને આજે પણ તેમના સાચી સેવાના વિચારો જીવનમાં ઉતારવા જેવા છે. વિરપુર ઉપરાંત ચોટીલામાં પણ જલારામ બાપાનું ભવ્ય મંદિર આવેલું છે.

(4:12 pm IST)