Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ડ્રગ્સ પ્રકરણમાં એટીએસ દ્વારા કચ્છના ૪ શખ્સોને ઉઠાવ્યા

ડ્રગ્સ પ્રકરણમાં ધડાકોઃ મુંબઇ એરપોર્ટ ઝડપાયેલા મુનાફ મુસા કનેકશન કચ્છમાં નીકળ્યું,ગુજરાત એટીએસે માંડવી ગાંધીધામના ચાર શખ્સોને ઉઠાવ્યાઃ પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતા મુનાફ મુસા ૧૯૯૩ના બોમ્બ ધડાકામાં કનેકશન

ભુજ, તા.૧૦: બોર્ડર ડિસ્ટ્રીકટ કચ્છમાં ગુજરાત એટીએસ દ્વારા રવિવારે એક ગુપ્ત ઓપરેશન દરમિયાન ચાર શંકાસ્પદ વ્યકિતઓને ઉઠાવી લેવામાં આવ્યા હતા. કચ્છનાં ગાંધીધામ તથા માંડવી વિસ્તારમાં ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા બે દિવસથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ડ્રગ્સ મામલે આ ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. થોડા દિવસ પહેલા મુંબઇ એરપોર્ટ ઉપરથી એક શખ્સને એટીએસ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. જેની પૂછપરછ દરમિયાન કચ્છનું કનેકશન તથા માંડવી ગાંધીધામમાં છુપાયેલા વ્યકિતઓ અંગે માહિતી મળતા એટીએસ તથા એસઓજી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મુનાફ મુસા નામના પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતા શખ્સને ગુજરાત એટીએસ દ્વારા મુંબઇ એરપોર્ટથી પકડી લેવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાના ડ્રગ્સ પ્રકરણ ઉપરાંત ૧૯૯૩માં મુંબઈમાં થયેલા ધડાકાઓમાં પણ તેની સંડોવણી બહાર આવેલી છે. મુસાની પૂછપરછ દરમિયાન કચ્છનાં માંડવીમાં રહેતા એક વ્યકિતનું નામ ખુલ્યું હતું. જે માદક પદાર્થની ખરીદ-વેચાણમાં મિડલ મેન તરીકે કામ કરતો હતો. માંડવીના આ શખ્સ ઉપરાંત કચ્છનાં ગાંધીધામમાં રહેતા કેટલાક વ્યકિતઓનું પણ કનેકશન બહાર આવતા ગુજરાત એટીએસની ટીમ દ્વારા કચ્છમાં શનિવારથી ધામા નાખવામાં આવ્યા હતા. સમગ્ર મામલામાં હાલ ગુજરાત એટીએસ કે કચ્છ એસઓજી દ્વારા કોઈ પ્રકાશ પાડવામાં આવ્યો નથી. જોકે સોમવારે બપોરે ત્રણ વાગે અમદાવાદ ખાતે એટીએસ દ્વારા એક પ્રેસ કોંફેરન્સનું આયોજન કરવામાં આવેલું છે. સંભવ છે કે ગુજરાત એટીએસ આ મામલે વિગતવાર કોઈ મોટો ખુલાસો કરી શકે છે

(4:09 pm IST)