Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

અમરેલીમાં પૈસાની લેતીદેતીમાં પ્રફુલ મંડોરાની હત્યા કરનાર કરશન અજાણી ઝડપાયો

અમરેલી તા. ૧૦ :.. અમરેલીમાં બે વ્યકિતએ ભાગીદારીમાં ટ્રક ખરીદયા બાદ પૈસાની લેતી દેતીમાં કરશન છગનભાઇ અજાણીએ પ્રફુલ્લ ચુનીભાઇ મંડોરાની હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે.

અમરેલી જેસીંગપરામાં રહેતાં પ્રફુલભાઇ ચુનીભાઇ મંડોરા પાનના ગલ્લે માવો ખાવા ગયેલ ત્યારે કરશન છગનભાઇ અજાણી, રહે. અમરેલી, જેસીંગપરા વાળાએ છરી વડે પ્રફુલભાઇને આડેધડ દસથી બાર જેટલા ઘા મારી જીવલેણ ઇજા કરી ખુન કરી નાખેલ. આ અંગે મરણ જનાર પ્રફુલભાઇના ભાઇ ઘનશ્યામભાઇ ચુનીભાઇ મંડોરા, રહે.  અમરેલી વાળાએ કરશન છગનભાઇ અજાણી, રહે. અમરેલી, જેસીંગપરા વાળા ફરીયાદ આપતાં અમરેલી સીટી પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧૧૯૩૦૦૩ર૦૦૧૮૩, ઇ. પી. કો. કલમ ૩૦ર, તથ જી. પી. એકટ કલમ ૧૩પ મુજબનો ખુનનો ગુન્હો રજી. થયેલ.

મરણ જનાર પ્રફુલભાઇ ચુનીભાઇ મંડોરા તથા આરોપી કરશન છગનભાઇ અજાણી બંને એક જ જ્ઞાતિના હોય, તેમણે પાર્ટનરશીપમાં એક ટ્રક ખરીદેલ હતો પરંતુ ધંધાના હિસાબમાં ગરબડ થતાં બંને ત્રણ ચાર મહિના પહેલા અલગ થઇ ગયેલ હતા અને બંને વચ્ચે છેલ્લા ત્રણેક મહિનાથી ટ્રકના ધંધાના પૈસાની લેતી બાબતે ઝઘડો ચાલતો હતો જે વાતનું મનદુઃખ રાખી આરોપી કરશન છગનભાઇ અજાણીએ મરણ જનાર પ્રફુલભાઇને છરીના ઘા મારી મોત નિપજાવેલ હોવાનું ફરીયાદમાં ખુલવા પામેલ. આ ગુન્હાની તપાસ અમરેલી સીટી પો. ઇન્સ. શ્રી વી. આર. ખેર દ્વારા હાથ ધરવામાં આવેલ અને આરોપી અંગે તપાસ કરતાં આરોપી કરશન અજાણી ખુનનો ગુન્હો આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસી છૂટેલ હોવાનું જાણવા મળેલ.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય નાઓએ આ ખૂનના ગંભીર ગુન્હામાં ગુન્હાવાળી જગ્યાની વિઝીટ કરી, ગુન્હાની વિગતોના જીણવટભરી રીતે અભ્યાસ કરી, અમરેલી એલ. સી. બી., એસ. ઓ. જી. પેરોલ ફર્લો સ્કોડ, અમરેલી શહેર તથા તાલુકા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ગુન્હાના આરોપીને સત્વરે ઝડપી લેવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે  અન્વયે ગુન્હો બન્યાના ગણતરીના કલાકોમાં અમરેલી એલ. સી. બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર. કે. કરમટા તથા પો. સ. ઇ. શ્રી પી. એન. મોરી અને એલ. સી. બી. ટીમ દ્વારા આરોપીને જુના વાઘણીયા ગામે બગસરા રોડ ઉપર આવેલ રામાપીરના મંદિર પાસેથી કરશન છગનભાઇ અજાણી ઉ.૩૭ રહે. અમરેલી, જેસીંગપરા શેરી નં.ર ને ઝડપી લેવામાં આવેલ છે. આ અંગેની આગળની વધુ તપાસ પ્રો. એ. એસ. પી. સુનીલ અગ્રવાલ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ. સી. બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર. કે. કરમટા તથા પો. સ. ઇ. પી. એન. મોરી અને એલ. સી. બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(4:09 pm IST)