Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ગોંડલના શ્રમિકની હત્યામાં સંડોવાયેલા ફરાર નગરસેવક ઝડપાયો

રવિ કાલરીયા અને અશોક રૈયાણી પોલીસમાં હાજર

ગોંડલ,તા.૧૦:ગોંડલ નગરપાલિકાના બે નગર સેવકો સહિત છ શખ્સોએ ચોરીની શંકાએ શ્રમિક યુવાનનું ઢીમ ઢાળી દીધાની ચકચારી ઘટનામાં ગતરાત્રીના નગરસેવક સહિતના બે શખ્સો પોલીસ સમક્ષ હાજર થયા હતા જયારે ફરાર નગરસેવકને મોવિયા પાસેથી પોલીસે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભુણાવા ભરૂડી પાસે પેન્ટાગોન કારખાનામાં રસોયા રામશંકરનું ચોરીની શંકાએ ગોંડલ નગરપાલિકાના બે નગર સેવકો સહિત છ જણા એ ઢોર માર મારી ઢીમ ઢાળી દીધાની ચકચારી ઘટનામાં તાલુકા પીએસઆઇ અજયસિંહ જાડેજા સહિત જિલ્લાભરની પોલીસની કુનેહ ભરી કામગીરીથી ત્રણ શખ્સોની ગણતરીની કલાકોમાં જ ધરપકડ થઈ જવા પામી હતી જયારે ગત રાત્રીના નગરસેવક રવિ કાલરીયા અને અશોક રૈયાણી પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી આ બન્ને શખ્સોને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાતા અદાલતે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જયારે અક્ષય ચોવટીયા વિનોદ ડરાણીયા અને આશિષ ટીલવા ને કોર્ટ સમક્ષ રજૂ કરતા તેના પણ બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.

દરમિયાન આ હત્યામાં સંડોવાયેલ નગરસેવક શૈલેષ રોકડ મોવિયા પાસે હોવાની બાતમીના આધારે તાલુકા પીએસઆઇ અજયસિંહ જાડેજાએ વોચ ગોઠવી તેની ધરપકડ કરી હતી.

(12:03 pm IST)