Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજથી ૩ દિવસ કચ્છ જિલ્લાની મુલાકાતે

ધોરડો, અજરપુર, ભુજોડી સહિતના સ્થળોની મુલાકાતે તડામાર તૈયારી

ભુજ, તા.૧૦: ગુજરાતના રાજયપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની ત્રણ દિવસની મુલાકાતે પધારી રહ્યા છે. આજે તા. ૧૦-૧૧-૧૨ ફેબ્રુઆરીના રોજ તેઓ કચ્છ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. આજે તા. ૧૦-૦૨ ના રોજ સોમવારે રેલવે માર્ગે ૧૨:૪૦ વાગ્યે તેઓ ભુજ રેલવે સ્ટેશન તેઓ આવી પહોંચશે જયાં રાજયપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ભુજથી રોડ માર્ગે તેઓ કાળા ડુંગર જવા રવાના થશે. બપોરે ૨.૩૦ થી ૩.૦૦ સુધી કાળા ડુંગરની મુલાકાત બાદ તેઓ ધોરડો ખાતે સફેદ રણની મુલાકાત લેશે જયાં તેઓ સૂર્યાસ્ત નીહાળી ટેન્ટ સિટીમાં આવેલ ક્રાફ્ટ બજારની મુલાકાત લેશે અને કચ્છી લોકસંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ નીહાળશે.

ધોરડો ખાતે જ રાત્રી રોકાણ કર્યા બાદ ૧૧, મંગળવારે મહામહિમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સફેદ રણમાં વહેલી સવારે ૬.૩૦ થી ૭.૩૦ સૂર્યોદય નીહાળવાનો પણ લ્હાવો લેશે. સવારે ૯ થી ૧૦ તેઓ રણ રિસોર્ટ અને ધોરડો ગામની પણ મુલાકાત લેશે. ધોરડોની મુલાકાત બાદ ૧૧.૧૫ થી ૧૧.૪૫ દરમિયાન રાજયપાલશ્રી ભુજ-ભચાઉ હાઇવે પર આવેલ એલએલડીસી (લીવીંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર)ની મુલાકાત લેશે અને ત્યાર બાદ ૧૧.૫૦ થી ૧૨.૨૦ સુધી અજરખપુર ગામની મુલાકાત લેશે. ત્યાર બાદ બપોરે ૧૨.૪૫ થી ૧.૧૫ સુધી રાજયપાલશ્રી ભુજ ખાતે આઇના મહેલ અને પ્રાગ મહેલની પણ મુલાકાત લેશે. બપોરે ૨.૩૦ થી ૪.૦૦ વાગ્યા સુધી ભુજ ટાઉન હોલમાં જિલ્લા કક્ષાની સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના શિબિરમાં હાજરી આપશે. ૪.૨૦ થી ૪.૫૦ વાગ્યા સુધી ભુજોડી ગામની મુલાકાત લઇ કચ્છી સાલ અને કચ્છી વણાટકામ અંગે માહિતગાર થશે. સાંજે ૫.૧૦ થી ૬.૦૦ વાગ્યા સુધી આશાપુરા ફાર્મની મુલાકાત લઇ કચ્છની ખેતી અંગે પણ માહિતગાર થશે.

કચ્છની મુલાકાતના ત્રીજા દિવસે ૧૨-૦૨, બુધવારના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સવારે ૧૦.૩૦ થી ૧૧.૪૫ સુધી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૧૯૬મી જન્મજયંતી નિમિત્ત્।ે ગાંધીધામ ખાતે વેદીક સંસ્કાર કેન્દ્ર મધ્યે કાર્યક્રમમાં હાજરી આપશે.

ત્યાર બાદ બપોરે ૧.૦૦ થી ૩.૨૦ સુધી કંડલા પોર્ટ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે અને ૪.૨૦ કલાકે કંડલાથી હવાઇ માર્ગે અમદાવાદ જવા રવાના થશે.

(11:52 am IST)