Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ભુજના ત્રણ વ્યાપારીઓ ૧૦૦ રૂપિયાની નકલી નોટો સાથે ઝડપાતા ચકચાર

બેંગલુરૂ ભણી પગેરૃં : ઝડપાયેલાઓ પૈકી ત્રણેય યુવાનો ભુજની જાણીતી વ્યાપારી પેઢીના પુત્રો

ભુજ તા. ૧૦ :ભુજ બી ડિવિઝન પોલીસે ભુજની ભાગોળે આવેલ ભુજોડીના વર્ધમાનનગર માં દરોડો પાડીને નકલી નોટો ઘુસાડવાનું ષડ્યંત્ર ઝડપી પાડ્યું છે. જોકે, નકલી નોટોના આ કારોબારમાં ભુજની જાણીતી વ્યાપારી પેઢીઓના પુત્ર સંકળાયેલા હોવાનું ખુલતાં આ સમગ્ર બનાવે ભુજ સહિત કચ્છભરમાં ચકચાર સર્જી છે.

ભુજ બી ડિવિઝન પોલીસે ભુજોડી વર્ધમાનનગરમાં આવેલ પાર્શ્વનાથ સોસાયટીમાં રેડ પાડીને અતુલ પ્રાણલાલ વોરા નામના જૈન વ્યાપારી યુવાન પાસેથી રૂ. ૧૦૦ ના દરવાળી જાંબલી રંગની ૩૭ નોટો ઝડપી હતી. પ્રથમ દ્રષ્ટિએ નકલી લાગતી આ નોટો વિશે અતુલને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, બેંગલુરૂના કિશોર પટેલ નામના શખ્સ પાસેથી તેણે ૧૦૦ રૂ. વાળી ૭૦૦ નોટ લીધી હતી.

જે પૈકી અમુક નોટો તેણે ભુજની શરાફબજારમાં વ્યાપારી પેઢી ધરાવતા પોતાના બીજા યુવાન વ્યાપારી મિત્રોને છૂટક વટાવવા માટે આપી હતી. જેને પગલે પોલીસે વધુ તપાસ કરીને ભુજની ચપ્પલ બનાવતી જાણીતી વ્યાપારી પેઢી લધા ઉકા ઝાલાના ભાવેશ મૂળશંકર ઝાલા પાસેથી ૧૦૦ ના દરની ૪૧૨ નોટ અને કાપડની વ્યાપારી પેઢી સી. પ્રફુલચંદ્ર ઝવેરીના સ્નેહલ પ્રફુલચંદ્ર ઝવેરી પાસેથી ૨૫૦ નોટ એમ ૬૧૨ નોટ ઝડપી હતી.  ત્રણેય પાસેથી મળીને કુલ ૬૩૭ નકલી નોટો ઝડપાઇ હતી.

પોલીસે આ અંગે ગુનો નોંધીને ત્રણેય વ્યાપારીઓના ૬ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. આઈજી સુભાષ ત્રિવેદી અને ડીએસપી સૌરભ તોલંબિયાના માર્ગદર્શન હેઠળ નકલી નોટોનું પગેરું મેળવવા બેંગલુરુ તરફ તપાસ લંબાવાઈ છે.

(11:11 am IST)