Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

મિસાઇલ કે યુધ્ધ સામગ્રી ? કંડલાથી પાકિસ્તાન જતા ચાઇનીઝ જહાજની તપાસ

હોંગકોંગથી આવેલા અને પાકિસ્તાનના કાસીમ બંદરે જતા 'કયુયુન' જહાજના ૨૨ ચાઇનીઝ ક્રુ મેમ્બર્સ અને અંદરની સામગ્રીની એજન્સીઓ દ્વારા પૂછપરછ

ભુજ તા. ૧૦ : કંડલા બંદરે જેટી નંબર ૧૫ પર લાંગરેલા અને અહીંથી પાકિસ્તાન જનારા ચાઈનીઝ જહાજને અટકાવીને સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની ૪૮ કલાકથી તપાસ શરૂ કરાઇ છે.

જોકે, આ આખોએ મામલો રાષ્ટ્રીય સુરક્ષાનો હોઈ એજન્સીઓ દ્વારા કોઈ પણ માહિતી અપાઈ નથી. પરંતુ સૂત્રો માંથી મળતી વિગતો પ્રમાણે આ ચાઈનીઝ જહાજની અંદર રહેલી મશીનરી અને તેના ૨૨ ક્રુ  મેમ્બરોની ઘનિષ્ઠ તપાસ વિવિધ એજન્સીઓ દ્વારા હાથ ધરાઈ છે.

'કયુયુન' નામનું આ જહાજ હોંગકોંગથી આવ્યું છે અને પાકિસ્તાનના કાસીમ બંદરે જવાનું છે. તેની અંદર રહેલી મશીનરી કોઈ યુદ્ઘ સામગ્રી હોવાની શંકાના આધારે તે અંગેના નિષ્ણાતોને બોલાવી તપાસ થઈ રહી છે. જોકે, આ પહેલાં અમેરિકા ઇરાનના થયેલા યુદ્ઘ પછી સ્ક્રેપમાં ઘણી વખત યુદ્ઘ સામગ્રી ભંગાર સ્વરૂપે આવી હતી. તો દક્ષિણ કોરિયાઈ જહાજમાં પાકિસ્તાન જતા મિસાઈલ પુર્જા પણ મળ્યા હતા. હવે, આ ચાઈનીઝ જહાજ માંથી શું નીકળે છે એ જોવું રહ્યું.

(11:11 am IST)