Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

શીકલીગર ગેંગ સુધી તપાસનો દોરઃ એમપીના ભીડમાં ૧૦૦૦રૂ.માં પિસ્તોલનું વેચાણ

પવન મોરે હત્યાનો આઇ વિટનેસ હોવાના અકિલાના અહેવાલને સમર્થનઃ આઇ કાર્ડમાં ફોટો જયંતિભાઇ ભાનુશાળીનો, નામ બીજાનું, સીટની તપાસમાં રહસ્ય ઘેરાયું : પવન મોરે બાથરૂમમાં નહિ ગોળીઓ છુટી ત્યારે ભયના માર્યા સુતો રહેલઃ ૬ શખ્સોની પુછપરછઃ સીઆઇડી વડાના આદેશથી કોચ સહીતની ઘટનાનું રીકન્સ્ટ્રકશન ડીઆઇજી ગૌતમ પરમારના માર્ગદર્શનમાં થયું: એક કોચ-એટેન્ડન્ટ અને ડ્રાઇવરના નિવેદનમાં પિસ્તોલનો અવાજ સાંભળ્યાનું બહાર આવ્યું: કચ્છથી માળીયા સુધીના તથા હાઇવે પરના સીસીટીવી ફુટેજ તથા મોબાઇલ કોલ્સની ડીટેઇલોની ચકાસણી : કટારીયા ગામની પસંદગી હત્યારાઓ દ્વારા વ્યુહાત્મક રીતે થઇ હોવાનું સીટનું તારણ

રાજકોટ, તા., ૧૦: કચ્છના અબડાસાના પુર્વ ધારાસભ્ય અને એક સમયના ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ કદાવર નેતા જયંતિભાઇ  ભાનુશાળીની ચાલુ ટ્રેને એસી ફર્સ્ટ કલાસ કોચ-૧માં પ રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા કરવાના મામલામાં રાજયના સીઆઇડી ક્રાઇમ તથા રેલ્વે પોલીસના વડા આશિષ ભાટીયાના માર્ગદર્શન હેઠળ નિમાયેલી સીટની ટીમ દ્વારા રહસ્યનું જાળુ ભેદવા વિવિધ થીયરી પર કાર્ય કરી રહી છે.

દરમિયાન સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ એક ચોંકાવનારૂ રહસ્ય બહાર આવ્યું છે. રેલ્વેના જે કોચમાં જયંતિભાઇ ભાનુશાળી મુસાફરી કરતા હતા તે સ્થળેથી એક આધારભુત આઇ કાર્ડ મળી આવ્યું છે. જેમાં ફોટો જયંતિભાઇનો છે પરંતુ તેમાં નામ અન્યનું હોવાનું બહાર આવ્યું છે. બીન સતાવાર રીતે સાંપડેલા ઉકત હકીકતમાં સચ્ચાઇ હોય તો આવુ બનાવટી આઇ કાર્ડ શા માટે ઉપયોગમાં લેવાતું તે તપાસનો વિષય બની રહે છે.

અત્યાર સુધી પિસ્તોલનો અવાજ ન સાંભળ્યાનું રટણ કરનારા પવન મોર્ય સહિતના લોકોએ પોતાના નિવેદન ફેરવ્યા છે. ટ્રેનના કોચ પણ હત્યા સમયે કંઇ અવાજ આવવાથી તપાસ કરવા ગયેલ પરંતુ તે દરમ્યાન હત્યારાઓ નાસી છુટયા હતા. સીઆઇડી સાથે એટીએસ અમદાવાદ સીટી ક્રાઇમ પણ તપાસમાં જોડાઇ છે. જયંતિભાઇ સાથે મુસાફરી કરી રહેલા અન્ય ૧૭ લોકોની વિગતો એકઠી કરી તે તમામને નિવેદન માટે સીટી ક્રાઇમ અમદાવાદ ખાતે તેડુ મોકલવામાં આવ્યું છે. માળીયાથી લઇ અમદાવાદ સુધીના રેલ્વે સ્ટેશનના સીસીટીવી ફુટેજ મેળવવા સાથે હાઇવેના સીસીટીવી ફુટેજ મેળવવા સાથે સીટ દ્વારા સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવેલ છે.

જયંતિભાઇ ભાનુશાળી સાથે સહપ્રવાસી તરીકે મુસાફરી કરનાર પવન મોરેએ પ્રથમ ઘટના સમયે બાથરૂમમાં હોવાનું અને ત્યાર બાદ અમદાવાદના સીઆઇડી હેડ કવાર્ટરમાં પોતે ઘટના સમયે હાજર જ હોવાનું અને ડરના માર્યા બ્લેનકેટ ઓઢી સુઇ રહયાનું જણાવ્યું છે. સુત્રોના કથન મુજબ પવન મોરેએ આરોપીઓને જોયા છે તેને પણ ધમકી મળી હતી. અત્રે યાદ રહે કે અકિલાએ ગઇકાલે જ આ અહેવાલો આપ્યા હતા. પવન મોરે એક માત્ર આંખે દેખ્યો સાક્ષી હોવાથી તેને સાથે રાખી તપાસ ચાલી રહી છે. દરમિયાન જયંતિભાઇ ભાનુશાળીની જે પિસ્તોલથી હત્યા કરવામાં આવી તેવી પિસ્તોલો કુવિખ્યાત શીકલીગર ગેંગ દ્વારા પણ બનાવવામાં આવે છે. મધ્યપ્રદેશના ભીડ અને એક વખતના ચંબલના કુવિખ્યાત ડાકુ મોરસિંહ અને માધવસિંહના આશ્રયસ્થાન જેવા આ જીલ્લાના જંગલો કે જે ગુજરાતની સરહદને અડીને આવેલ છે ત્યાં આવા ફાયરઆર્મ્સ બનાવવામાં આવે છે. અહીં એવા કુશળ કારીગરો છે કે જે ઓરીજનલ હથિયાર જેવા હથિયાર તૈયાર કરી આપે છે. ઘણી વખત તો રૂ. ૧૦૦૦માં આવા હથિયારો મળે છે. ગુજરાતના ઘણા શહેરોમાં વસતા પરપ્રાંતીયો આવા હથીયારો ત્યાંથી લાવ્યા છે. આમ સીઆઇડીની તપાસની દિશા મધ્યપ્રદેશના ભીડ અને મોરે સુધી લંબાવવામાં આવવા સાથે શીકલીગર ગેંગ આસપાસ કેન્દ્રીત થઇ છે.

છબીલભાઇ પટેલને અમેરિકાથી નિવેદન આપવા માટે સીઆઇડી તેડુ મોકલશે

રાજકોટઃ જયંતીભાઇ ભાનુશાળીની હત્યા બાદ તુર્ત જ જયંતીભાઇ ભાનુશાળીના  પત્ની અને તેમના ભાઇ તથા ભત્રીજાએ આ હત્યા છબીલભાઇ પટેલે જ કરાવી હોવાનું ભાર પુર્વક જણાવવા સાથે ફરીયાદમાં પણ છબીલભાઇ પટેલ અને તેના પુત્રના નામનો ઉલ્લેખ કર્યાના પગલે હત્યા પહેલા અમેરિકા ગયેલા છબીલભાઇ પટેલને અમેરિકાથી નિવેદન આપવા માટે સીઆઇડી તેડંુ મોકલવા તૈયારી કરી રહયાનું સુત્રો જણાવે છે.

અત્રે યાદ રહે કે જયંતીભાઇ ભાનુશાળીની હત્યા સમયે છબીલભાઇ પટેલનો એક જુનો વિડીયો વાયરલ થયેલ. જેમાં છબીલભાઇ 'ચિંતા કરતા નહિ દુશ્મનોને હાથ દ્વારા રિવોલ્વરની નિશાની બતાવી અને મોઢેથી ધાય-ધાય એવા ગોળી છુટવાના અવાજો કાઢયાના વિડીયો અત્યારે જયંતીભાઇની છબીલભાઇ સાથેની દુશ્મનાવટના પરીપેક્ષ્યમાં જયંતીભાઇનો પરીવાર નિહાળી રહયો છે'.

(3:39 pm IST)