Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

જેન્તી ભાનુશાળીની હત્યા અંગે પવન મૌર્ય સહિત ૧૩ના નિવેદન નોંધાયા

નક્કર તપાસની દિશા બદલી શકે તેવી કોઇ કડી મળતી નથી : નલિયાના વેપારીઓએ બંધ પાળી પૂર્વ ધારાસભ્યને અંજલિ આપી : પોલીસ હેરાનગતિ સામે કર્મચારીઓનો વિરોધ

ભુજ તા. ૧૦ : જેન્તીભાઇની હત્યાના કિસ્સામાં બીજા દિવસે પણ પોલિસને તપાસની દિશા માટે કોઇ નક્કર કડી મળી નથી. જેન્તીભાઇની હત્યા માટે રચાયેલી સીટના વડાએ તમામ તપાસ ટીમના મુખ્ય સભ્યો સાથે બેઠક કરી હતી. તો સી.આઇ.ડી ક્રાઇમની બે ટુકડી સહિત અન્ય બ્રાન્ચના સભ્યોએ કચ્છમા ગુપ્ત તપાસ માટે ઘટના સ્થળના રૂટ પર તપાસ કરી હતી જેમા સામખીયાળી,માળીયા,ગાંધીધામ અને ભુજ સહિતના રેલ્વે મથકોએ પોલીસ ટીમેં તપાસ સાથે સર્ચ અભીયાન હાથ ધર્યુ હતું.

દરમિયાન અબડાસા માટે અનેક કર્યો કરનાર પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલીને નલિયાના વેપારીઓએ બંધ પાળી અંજલી અર્પી હતી. તો બીજી તરફ જે રેલ્વે કોચમા આ ધટના બની હતી. તેના રેલ્વેના એસી કોચના બે અટેડન્ટની પોલિસ દ્રારા થઇ રહેલી પુછપરછના વિરોધમાં ગઈકાલે અન્ય સાથી સભ્યોએ એકઠા થઇ વિરોધ કર્યો હતો. રેલ રોકવાની ચીમકી સાથે કર્મચારીએ આક્ષેપ કર્યો હતો કે પોલિસ તપાસના નામે કોચ અટેન્ડન્ટ સહિતના કર્મીઓને ખોટી રીતે પરેશાન કરી રહી છે.

અત્યાર સુધીની તપાસની વાત કરીએ તો અત્યાર સુધી ૬ શખ્સો વિરૂધ્ધ વિધીવત રીતે ફરીયાદ નોંધાઇ હતી. પોલીસે આ ઘટના અંગે ૧૩ લોકોના નિવેદન લીધા છે. આ ઉપરાંત ભુજ, ગાંધીધામ ના રેલવે સ્ટેશન, ભુજ એરપોર્ટ ઉપર ૩ જી તારીખે જેન્તીભાઈ આવ્યા ત્યારે તેમની સાથે કોણ હતું? તે જાણવા, હત્યારાઓ રોડ રસ્તે ભાગ્યા હોય તો સામખીયાળી ટોલ નાકા સહિતના સીસીટીવી કેમેરાના રેકોર્ડીંગ મેળવી તેમાંથી કડી મેળવવા સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ જેન્તીભાઇ સાથે કોચમા રહેલા વેપારી પવન મૌર્યની પુછપરછ સાથે અન્ય શંકાસ્પદ ૧૩ વ્યકિતઓ કે જે કેસ સાથે કનેકટેડ છે. તેની પોલિસ પુછપરછ કરવા સાથે તેના નિવેદનો નોંધી રહી છે. જો કે હજુ સુધી કોઇ નક્કર તપાસની દિશા બદલી શકે તેવી કોઇ કડી મળી નથી. તો બીજી તરફ જે ૬ વ્યકિત સામે જેન્તી ભાનુશાલીની હત્યાની ફરીયાદ થઇ છે. તેમના ગુનાહીત ઇતિહાસ અને બેકગ્રાઉન્ડ વિષે પણ પોલિસ ગુપ્ત માહિતી એકઠી કરી તેમની આ કેસમાં ભુમીકા અંગે ચકાસણી કરી રહી છે.

ગુજરાતના બહુચર્ચીત હત્યા કેસ બની ગયેલા આ કેસમા પોલિસ બે દિવસની તપાસમા કોઇ ચોક્કસ કડી મેળવી શકી નથી. જો કે પ્લાનીંગ સાથે થયેલી આ હત્યામાં પોલિસ ઘટના ના મૂળ સુધી જવાની દિશામાં છે. તેથી ઝીણામાં ઝીણી બાબતો પર અભ્યાસ પછી પોલિસ આ મામલે ટુંક સમયમા કોઇ ધડાકો કરે તેવી શકયતા છે.(૨૧.૧૧)

(11:22 am IST)