Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

રાજકોટ બાદ જામનગરમાં કોંગીનો આંતરિક વિખવાદ

પ્રભારીની હાજરીમાં જ હોદ્દેદારોની ફરિયાદ કરી : લોકસભા ચૂંટણી પૂર્વે આવેલા જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી જશવંતસિંહ સ્થાનિક આક્રોશ જોઇને ચોંકી ઉઠયા

અમદાવાદ,તા.૯ : જામનગર ખાતે આજે જિલ્લા-શહેર કોંગ્રેસ સંગઠનની મળેલી કારોબારી બેઠકમાં નારાજ કોંગ્રેસી કાર્યકરોએ જિલ્લા સંગઠન અને ધારાસભ્ય ચિરાગ કાલરિયાના મનસ્વી વર્તન અંગે ચાલુ મિટિંગમાં ફરિયાદ કરતા કોંગ્રેસ સંગઠનમાં સોપો પડી ગયો હતો. ખુદ પ્રભારી જસવંત ભટ્ટીની હાજરીમાં કાર્યકરોએ સંગઠનના હોદ્દેદારો અને જન પ્રતિનિધિઓને આડે હાથ લેતા કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો હતો. જેને જોઇ ખુદ જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી જશવંતસિંહ ભટ્ટી પણ ચોંકી ગયા હતા. આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે સંગઠનમાં નવો જોમ આપવાના ઉદ્દેશયથી આજે જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી જશવંતસિંહ ભટ્ટી જામનગરની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ જિલ્લા કોંગ્રેસના સંગઠ્ઠનના હોદ્દેદારો સાથે કારોબારી બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસની સ્થાનિક સંગઠન અને નેતાગીરી સામે કાર્યકરોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. જિલ્લામાંથી આવેલા કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ જિલ્લા પ્રમુખ જે. ટી. પટેલની કાર્યપધ્ધતિ સામે આક્રોશભરી  રજૂઆત કરતા કાર્યાલયમાં ગરમાવો ફેલાઇ ગયો હતો. પ્રમુખ જરૂરિયાતના સમયે ફોન ઉપડતા નથી એવો અસંતુષ્ટોએ આક્ષેપ કર્યો હતો. સાથે સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ચોકકસ તાલુકાના પ્રમુખ બદલાવી નવી નિમણૂંક આપી દેવામાં આવી છે. આ નિમણૂંક સ્થાનિક આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. જામજોધપુર તાલુકા કોંગ્રેસના કાર્યકરોના પ્રતિનિધિ મંડળે સ્થાનિક ધારાસભ્ય ચિરાગ કાલરિયાના મનસ્વી વર્તન અંગેની ફરિયાદ કરતા મામલો ગરમાયો હતો. જેને લઈને કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી સર્કિટ હાઉસ ખસેડાયો હતો. જ્યાં સ્થાનિક કોંગ્રેસના કાર્યકરોએ ધારાસભ્ય ચિરાગ કાલરીયાના મનસ્વી વર્તન અંગે વિસ્તારથી રજૂઆત કરી હતી. જેમાં સંગઠનના હોદ્દેદારોની નિમણૂકમાં સાચા કાર્યકરોની અવગણના, ધારાસભ્યની સંગઠનની મિટિગોમાં ગેહાજરી, પક્ષના કાર્યકરોની અવગણના થતા યાર્ડમાં અને તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સફાયો થયો છે એવા આક્ષેપો કર્યા હતા. સામે પક્ષે પ્રભારી ભટ્ટીએ સ્વયં શિસ્ત જાળવવા અપીલ કરી કોંગ્રેસને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો. આ વિવાદ સંદર્ભે કોંગ્રેસ શાસિત જામનગર પંચાયતમાં પણ ચકચાર મચી ગઇ હતી.

(9:09 pm IST)