Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

ગરીબ બાળકોને ફટાકડા આપી ભરપેટ ભોજન કરાવી દિવાળીની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ-મોરબી

 મોરબી,તા.૯ :  મોરબીમાં શહીહ ભગતસિંહના કાંતિકારી વિચારોને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આપવાના આનદ અભિયાન હેઠળ દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમાં આપવાનો આંનદ એટલે જે લોકો જીવનના અનેક અભાવોથી વંચિત હોય એમની સાથે પરિવાર જેવી આત્મીયતા કેળવીને તહેવારોની સાચા અર્થમાં ખુશી આપવી. આવી રીતે યંગ ઇન્ડિયા ગ્રુપ દરેક તહેવારોની સર્વધર્મ સમભાવની જેમ ઉજવણી કરીને અભાવોથી વંચિત લોકોની જિંદગીમાં ઉમગનો રંગ ભરી દે છે. ત્યારે આજે તેજોમ પ્રકાશ પર્વ દીપોત્સવીની આવી રીતે પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

દિવાળીની પ્રેરણાદાયી ઉજવણી સંદર્ભે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિલના દીવાઓ પ્રજલિત કરી ''આનંદ ના અજવાળા'' કરવાનો અવસર..આ અંગે તેમના શબ્દોમાં જોઈએ તો તેઓ કહે છે તમને ખબર છે કે તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી સમગ્ર વિશ્વમાં માત્ર દસ ટકાના નસીબમાં જ લખાયેલી છે, બાકીના નેવુ ટકા લોકો તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી જીવવાનું સપનું જોતા હોય છે. ત્યારે દિલમાં માનવતા, ઉદારતા અને પ્રામાણિકતાનો દીવડો ઝગમગતો રાખીએ, સમગ્ર વિશ્વમાં આપોઆપ ઉજાસ ફેલાશે. દિવાળી અને નવું વર્ષ એ માત્ર કેલેન્ડર બદલવાની ઘટના નથી પણ એક નવી શરૂઆત કરવાનો અવસર છે. ઘર સાફ થઈ ગયાં પણ દિલનું શું? આ તહેવાર હળવાં થવાનો મોકો આપે છે. સવાલ એ જ હોય છે કે આપણે આ મોકાનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? કંઈ છૂટતું નથી, કંઈ બદલાતું નથી, માત્ર રોજે રોજ તારીખિયાનું એક પાનું ખરતું જાય છે અને જિંદગીનો એક-એક દિવસ ઘટતો જાય છે. દિવસો તો વિતવાના જ છે, એને કોઈ રોકી શકવાનું નથી. આપણે જો એ ચાલ્યા જતાં દિવસોનો અફસોસ ન કરવો હોય તો શ્રેષ્ઠ માર્ગ એ છે કે એને શ્રેષ્ઠ રીતે જીવી લેવા!!! એટલા માટે જ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી અલગ અલગ વિસ્તારમાં રેહતા જરૂરિયાતમંદ નાના બાળકોને દિવાળી દિવસે આશરે ૨૦૦૦ બાળકોને વિવિધ ફટાકડાની કીટ તથા સ્વાદિષ્ટ હલવા અને ગુલાબ જાંબુ સાથે ભોજન જમાડીને વિતરણ કરીને દિવાળીની ઉજવણી કરી અને આવનાર નવા વર્ષમાં પણ આવા સમાજ ઉપયોગી કામ કરવાની નેમ કરી જીંદગીને શ્રેષ્ઠ રીતે જીવી લેવાની એક નાનકડી કોશિશ કરી હોવાનું અંતમાં દેવેનભાઈએ જણાવ્યું હતું.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે દિવાળીની અનોખી ઉજવણીના ભાગરૂપે અનોખો કૃતજ્ઞતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રૂપના સભ્યો દ્વારા તહેવારો ઉપર પોતાની ફરજને જ સર્વસ્વ સમજીને પોતાના પરિવારને તેમજ પોતાની જાતને ભૂલીને નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મવિરોનું સન્માન કરીને તેને મીઠાઈ આપવામાં આવી હતી. દિવાળીના પર્વે પણ પોતાની ફરજ બજાવતા આ કર્મવિરોની કર્મનિષ્ઠાની કદર થતા તેઓના ચેહરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા.

 યંગ ઇન્ડિયા ગ્રુપ હંમેશા તહેવારોની કઈક અલગ રીતે ઉજવણી કરવા માટે જાણીતું છે. ત્યારે આ ગ્રૂપના સંસ્થાપક દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ દિવાળીની પણ અનોખી ઉજવણીના ભાગરૂપે કર્મવીર કૃતજ્ઞતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દિવાળીએ પોતાના પરિવારને તેમજ પોતાની જાતને ભૂલી જઈને સમાજ માટે ફરજ બજાવતા પોલીસ, એસટી,નગરપાલિકા, પેટ્રોલપમ્પ, રેલવે , ફાયરબ્રિગેડ ,ટ્રાફીક વિભાગના કર્મચારીઓ તેમજ અન્ય સરકારી કે જાહેર સંસ્થાઓમાં સેવા આપતા કર્મવીરોનું સન્માન કરી તેઓને દિવાળીની શુભકામના પાઠવી તેમની સેવા બદલ આભારની લાગણી પ્રગટ કરાઇ હતી.

  આમ તહેવાર ઉપર પણ પોતાની ફરજને જ સર્વસ્વ માનીને કામ કરતા કર્મનિષ્ઠ લોકોને પ્રોત્સાહન પુરૂ પાડી યંગ ઇન્ડિયા ગ્રુપે દિવાળીના પર્વની ઉજવણી ખરા અર્થમાં ચરિતાર્થ કરી હતી.

(12:43 pm IST)