Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

શ્રી સોમનાથ મહાદેવના દર્શને લાખો ભાવિકો ઉમટયા

પૂજન, અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતનો લાભ લીધો : વિશેષ શ્રૃંગાર - રંગોળીનું નિર્માણ કરાયુ

વેરાવળ - પ્રભાસ પાટણ તા. ૯ : વિશ્વ પ્રસિદ્ઘ સોમનાથ મહાદેવને મંદિરે દિવાળી ના તહેવારો નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડયો હતો અને તારીખ એક થી સાત તારીખ સુધીમાં બે લાખ લોકો એ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.

સોમનાથમાં દિવાળીના તહેવારો નિમિત્તે મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મંદિર ગર્ભગૃહ માં અલંગ અલગ દ્રવ્યથી રંગોળી બનાવવા આવેલ અને મંદિરને દિવડાઓથી સુશોભન કરવામાં આવેલ.

તા. ૩ના માસીક શિવરાત્રી નિમિત્તે મંદિર રાત્રીના ૧૨.૩૦ કલાક સુધી ખૂલ્લું રાખવામાં આવેલ અને રાત્રીના જયોત પૂજન, મહાપૂજા અને વિશેષ આરતી કરવામાં આવેલ.

દિવાળીના દિવસે સાંજે ૪.૩૦ કલાકે ઓનલાઇન ઝુમ એપના માધ્યમથી લક્ષ્મી પૂજન તથા ચોપરા પૂજન કરવામાં આવેલ અને ટ્રસ્ટના અતિથિગૃહો રોશની અને રંગોળીથી સુશોભન કરવામાં આવેલ તેમજ નવાં વર્ષનાં સોમનાથ મહાદેવને અન્નકૂટનો શણગાર કરવામાં આવેલ અને દિવાળીના દિવસોમાં પણ વિવિધ ફુલોથી શૃંગાર કરવાં આવેલ હતો.

યાત્રિકોના ઘસારાને ધ્યાનમાં રાખીને વધારાના પ્રસાદીના કાઉન્ટર રાખવામાં આવેલ તેમજ સોમનાથ મંદિરમાં ઓનલાઈન પૂજા વિધિની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

સોમનાથ મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ, એસઆરપી, સિકયુરીટી ગાર્ડ, જીઆરડી અને મંદિરના કર્મચારીઓ દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવેલ તેમજ દર્શનાર્થીઓને કોવિડ ગાઈડ લાઈનનુ પાલન કરાવેલ.

સોમનાથ મા યાત્રિકો ના ધસારાને કારણે સોમનાથ મંદિર આવતાં તમામ રસ્તાઓ ટ્રાફીકથી જામ થયેલ હતા અને તમામ પ્રાઈવેટ ગેસ્ટ હાઉસ પણ હાઉસ ફુલ થયા હતા અને ટ્રસ્ટના તમામ અતિથિગૃહો તો દિવાળીના તહેવારો પહેલાં જ બુક થયેલા હતા

તેમજ દરીયા કિનારે ચોપાટી, ત્રિવેણી સંગમ, રામમંદિર, ભાલકાતીર્થ આ તમામ જગ્યાએ લોકોનો જોરદાર ઘસારો જોવા મળ્યો હતો.

દિપાવલીના પાવન પ્રસંગે શ્રીસોમનાથ મહાદેવને વિવિધ પુષ્પોનો શ્રુંગાર કરવામાં આવેલ. શ્રી સોમનાથ મંદિરમાં મહાદેવ પાસે શ્રી યંત્રની રંગોળી કરવામાં આવેલ અને નૃત્યમંડપમાં વિશેષ રંગોળીથી સુશોભન કરવામાં આવેલ.ભકતો દ્વારા શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી.ઉજાસના પર્વે વિશ્વકલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી.

(10:31 am IST)