Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સુરેન્દ્રનગર કૃષ્ણનગરના મકાનમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો

જસદણથી આરોપીને દાગીના સહીત રૂ. ૬.૯૬ લાખના મુદ્દામાલ સાથે પકડી લીધો

વઢવાણ,તા. ૯: સુરેન્દ્રનગર એ ડિવીઝન પોલીસ મથકની હદમાં કૃષ્ણનગર વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં ચોરીના અંદાજે ચારથી પાંચ બનાવ બન્યા હતો.

જેને ધ્યાને લઈ જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયા તથા ડીવાયએસપી એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ એ ડિવીઝન પીઆઈ એન.કે.ચૌહાણ સહિત સ્ટાફના ધનરાજસિંહ, મુકેશભાઈ, વિજયસિંહ, અમીતભાઈ, હારૂનભાઈ, વિજયસિંહ પરમાર, કિશનભાઈ, મહાવિરસિંહ, દશરથસિંહ, યુવરાજસિંહ, એસ.વી.દાફડા સહિતનાઓએ નેત્રમ સીસીટીવી તથા ટેકનીકલ સોર્સની મદદથી  તપાસ હાથધરી હતી જેમાં એક શંકાસ્પદ બાઈકચાલકની હિલચાલનો અભ્યાસ કરી બાઈકના નંબરના આધારે જસદણ મુકામે રહેતાં શંકાસ્પદ બાઈકચાલક શેરસીંગ ઉર્ફે સુરતસીંગ રણજીતસીંગ ખીંચીયા (તલીપીતીયા) સરદાર ઉ.વ.૩૭ મુળ રહે.વડોદરાવાળો હાલ રહે.જામનગર એરપોર્ટ રોડવાળાને ઝડપી પુછપરછ હાથધરી હતી..

 દરમ્યાન પોતાના ભાઈ મનજીતસીંગ રણજીતસીંગ રહે.અંકલેશ્વરવાળાએ ભેગા થઈ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી અને એ ડિવીઝન પોલીસ મથકની હદમાં કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં થયેલ ચોરીની પણ કબુલાત કરતાં પોલીસે જસદણ મુકામે જઈ ચોરીના સોના-ચાંદીના હાર, વીટીઓ, ચેઈન, છડા, બુટ્ટી, પેન્ડલ, મંગલસુત્ર, ખડગ, નખલી, કાનની સેર, માથાનો ટીકો, સુર્યનું ચકદુ સહિત કુલ રૂ.૬.૯૬ લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. જયારે બંન્ને આરોપીઓએ ધ્રોલ, પડધરી, લાલપુર, જામનગર, ખંભાળીયા, ચોટીલા, અમરેલી સહિતના તાલુકાઓમાં પણ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી આમ એ ડિવીઝન પોલીસે બંન્ને આરોપીઓને ઝડપી પાડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

(11:44 am IST)