Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ભાવનગરના યુવાન વેપારીનું અપહરણ કરી પાંચ લાખની ખંડણી માંગી ૯૦ હજાર બેન્કમાંથી કઢાવી લઇ ગોંધી રાખ્યો!!

ખોટુ બોલી યુવતિ સાથે ફોટા પડાવી, વિડીયો ઉતારી વેપારીની પત્નીને મોકલ્યોઃ ભારે ચકચારઃ ૭ શખ્સો સામે ફરીયાદ

ભાવનગર તા. ૯ :.. ભાવનગરમાં યુવાન વેપારીનું અપહરણ કરી રૂ. પ લાખની ખંડણી માંગ્યાની સાત શખ્સો  સામે ફરીયાદ નોંધાઇ છે.  જેનાં વેપારીનાં એક મિત્ર, બે નકલી પોલીસ અને એક યુવતી સામેલ હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવાતાં ચકચાર મચી જવા પામી છે.

આ બનાવની વિગતો એવી છેકે શહેરનાં કાળીયાબીડ પટેલ પાર્ક-૧ બ્લોક નં. સી. ૪૬પ૮ માં રહેતા મુળ પંજાબનાં લુધીયાણાનાં વતની દિપકભાઇ બીપીનકુમર ગોયલ (ઉ.૪૩) શહેરનાં કાળીયાબીડમાં રાજ કોમ્પલેક્ષમાં કિરણ ગારમેન્ટસ નામથી તેમની દુકાને હતાં ત્યારે તેનો મિત્ર મિતેષ રાઠોડ અને કોમલ નામની એક યુવતી ટી-શર્ટની ખરીદીનાં બહાને આવ્યા હતા અને બાદ હિમાલયા મોલ પાસે છોડી જવાનું કહેતાં નં. પી. બી. ૧૦ ડીટી ૯૯૯૯ માં બન્ને ને બેસાડી હિમાલયા મોલ ખાતે ઉતારવા ગયા હતા અને ત્યાંથી બન્નેએ યુનિવર્સિટીનાં ગેટની અંદર ગાડી લઇ જવા કહેતા વેપારી તેમની ચાલમાં ફસાયા હતાં અને યુનિ.ન ગેટની અંદર જતાં એક કાળા કલરની એકટીવામાં બે શખ્સો આવી ગાડી ઉભી રખાવી પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી કાર ખોલી વેપારીને લાફા મારી પાછળની સીટમાં બેસાડી તેની જ કારમાં વેપારીનું અપહરણ કર્યુ હતું.

ત્યારબાદ પ્રિ-પ્લાન મુજબ મિતેષ રાઠોડ, કોમલ, વનરાજ, નરેશ ઉર્ફે ભુરો, ચેતન બરાડ, કાનો અને હિરેન ઉર્ફે બાપુ વગેરે શખ્સોએ ગાળો દઇ જાનથી  મારી નાખવાની ધમકી અપી ખોટું બોલાવી યુવતી સાથે વેપારીનાં ફોટા પડાવી વીડીયો ઉતારી વેપારીની પત્નીને મોકલ્યો હતો.

આ શખ્સોએ વેપારી પાસેથી તેમના એટીએમ માંથી બળજબરી પૂર્વક ઉપાડી લઇ ગુગલએ અને પેટીએમ મારફત રૂ. ૯૦ હજાર વનરાજના ખાતામાં ટ્રાન્સફર કરી તળાજા નજીક એક ગામમાં આવેલ ઇંટનાં  ભઠ્ઠામાં લઇ જઇ ત્યાં ઓરડીમાં ગોંધી રાખ્યા બાદ મોડી રાત્રે વેપારીને ભાવનગર લાવી ટોપ-૩ સર્કલ પાસે છોડી દઇ મોબાઇલ ફોન અને કારની ચાવી અને બેંક એટીએમને લઇ ગાડીને નુકશાન પહોંચાડી નાસી છૂટયા હતાં.

આ અંગે ભોગ બનનાર વેપારી દિપક ગોયલે એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની ભાવનગરમાં ચકચાર મચી જવા પામી છે.

(11:02 am IST)