Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ભાજપનો સપાટો : તમામ બેઠકો ઉપર ભગવો

દેવરાજ ગઢવી સતત ૭મી વખત ચૂંટાયા : બારે બાર બેઠક ઉપર ભાજપનો કબજો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૯ : કચ્છ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંકના વ્યવસ્થાપક મંડળની યોજાયેલી ચૂંટણીમાં તમામ બારે બાર બેઠકો ભાજપ સમર્થિત ઉમેદવારોની જોળીમાં આવતા પુનઃ એક વખત કે.ડી.સી.સી. બેંકનું નેતૃત્વ અને સંચાલન કરવાનું સૌભાગ્ય ભાજપ સમર્થિત હોદેદારોને મળ્યું છે. આ અગાઉ પ્રતિસ્પર્ધિ છાવણીમાં સપાટો બોલાવતા ૧૨ માંથી ૯ બેઠકો ભાજપ તરફી બિનહરીફ થઈ હતી જે થી પ્રતિસ્પર્ધિમાં ચૂંટણી અગાઉ જ શોપો પડી ગયો હતો. બાકી રહેલી ત્રણ બેઠકો પર ગઈ કાલે યોજાયેલ ચુંટણીના પરિણામો આજે જાહેર થતા તે તમામ ત્રણ બેઠકો પર પણ ભાજપ સમર્થિત ઉમેદવારોએ જવલંત વિજય પ્રાપ્ત કર્યો હતો.

જેમાં જૂથ નં.૧ (ભુજ) હરીભાઈ હીરાભાઈ જાટીયાને ૪૨ મત, જૂથ નં.૩ (રાપર) અંબાવીભાઈ વાવીયાને ૨૪ મત જયારે જૂથ નં. ૧૨ માં દેવરાજભાઈ ગઢવીને ૮૪ મત મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન ચેરમેન દેવરાજભાઈ ગઢવી વર્ષ ૨૦૦૧થી અત્યાર સુધી સતત સાત વખત બેંકના ઈતિહાસમાં સંભવતઃ સૌથી વધારે વખત વિજયી થવાનું ગૌરવ પ્રાત્ય કર્યું છે.

આ અંગે પ્રતિભાવ વ્યકત કરતા દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ અને પારદર્શી વહીવટની ભાજપની મૂળભૂત પ્રણાલી અને વિચારધારાને આગળ ધપાવતા આજ સિધ્ધાંતને અનુસરીને કે.ડી.સી.સી. બેંકમાં મારા સમગ્ર કાર્યકાળ દરમ્યાન એક અનુશાસનભાં નેતૃત્વ તળે બેંકનો સમતોલ અને સર્વાંગી વિકાસ કરવાના મારા તરફથી પૂર્ણતઃ પ્રયત્નો થયા હતા જેના પ્રતિસાદ રૂપે કચ્છના કિસાનો અને ઉત્પાદક મંડળીઓ તેમજ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલ અન્ય તમામ લોકોએ મારામાં પુનઃ વિશ્વાસ પ્રતિપાદિત કરીને મને સતત સાતમી વખત વિજયી બનાવ્યો છે. એ બદલ હું સૌનો હૃદયપૂર્વકનો આભારી છું.

કે.ડી.સી.સી. બેંકમાં ભાજપ સમર્થિત તમામ વિજેતા ઉમેદવારોને સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ અધ્યા કેશુભાઈ પટેલ સહિત સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ પરિવાર તેમજ વિવિધ સહકારી ક્ષેત્રમાંથી અભિનંદન પ્રાપ્ત થઈ રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

(11:18 am IST)