Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ : ગોંડલ તાલુકાના લીલાખા ગામે યોજાયો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ પ્રારંભ કરાવ્યો : હવે ગામમાં જ નાગરિકોને ઘર બેઠા દાખલા મળશે

રાજકોટ તા. ૯ : ગોંડલ તાલુકાના લીલાખા ગામે પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા સહિતના મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરી ડિજીટલ સેવા સેતુનો પ્રારંભકરાવ્યો  હતો. 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે લોકોને સરકારની વિવિધ સેવાઓના દાખલા ગ્રામ પંચાયત પંચાયત કક્ષાએથી મળી જાય તે માટેગુજરાતના ગામડાઓમાં સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તારવાડિજિટલ સેવા સેતુનો પ્રારંભકરાવ્યો હતો. ગ્રામીણ નાગરિકોને આવા દાખલાઓ માટે હવે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં જવું જ ન પડે, તેવો પણ ક્રાંતિકારી નિર્ણય રાજય સરકારે કર્યો છે.ગુજરાતમાં આજે ૮મી ઓકટોબરે ૨૭૦૦ થી વધુ ગામોમાં આ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર ખાતેથી ડિજિટલ પ્લેટફોર્મ પરથી સેવા સેતુનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના પ્રશાસનનો આ ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય છે. રાજકોટ જિલ્લાના ૨૦૦ ગામમાં આ સેવાનો પ્રારંભ થયો છે. ગોંડલ તાલુકાના લીલાખા ગામે યોજાયેલા ડિજિટલ સેવા સેતુના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ અન્ય જિલ્લાઓની સાથે ઓનલાઈન વિડીયો લિંકથી આ યોજનાઓથી થનાર ફાયદા અને ઉપલબ્ધ સેવાઓ અંગે માહિતી આપી હતી. આગામી સમયમાં ૮૦૦૦ અને ત્યાર બાદ બાકીના ગામોને પણ આ યોજનામાં જોડવાનો નિર્ધાર મુ્ખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

તાલુકા પંચાયતના પદાધિકારી શ્રી પ્રફુલભાઈ ટોળીયાએ આ યોજનાથી થનાર ફાયદા અને ગામમાં વિકાસ માટે  રાજય સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાંઓ અંગે માહિતી આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસીયાએ ડિજિટલ સેવા સેતુ થકી લોકોને ગ્રામ્ય કક્ષાએ જ મળનાર લાભો અને અન્ય યોજનાકીય રૂપરેખા આપી હતી. આ યોજનાથી ૨૨થી વધુ પ્રકારની સેવા હવે ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ થશે. મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ સેવાના દાખલા આ યોજના ભાગ રૂપે વિતરીત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી જયરાજસિંહ જાડેજા,  ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, પ્રાંત અધિકારી  રાજેશ આલ, ગામના સરપંચ  ધર્મેન્દ્રભાઈ ધામેલીયા, તાલુકાના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે શાબ્દિક પ્રવચન અલ્પેશભાઈ ઢોલરીયા અને આભારવિધિ ભરતભાઈ ઢોલરિયાએ કરી હતી.

(12:41 pm IST)