Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના ભાજપના નગરપાલિકાના સદસ્યો માટે પ્રશિક્ષણ શિબિર યોજાઇ ગઇ

ચોટીલા ખાતે પ્રશિક્ષણ વર્ગ લેવા આવેલ રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નું સ્થાનિક આગેવાનોએ સ્વાગત કર્યું, વર્ગમાં ઉપસ્થિત રહેલ જન પ્રતિનિધિ અને શિક્ષણ આપતા પ્રદેશ પ્રમુખઙ્ગનજરે પડે છે.

 ચોટીલા - વઢવાણ તા. ૯ : ચોટીલા ખાતે સૌરાષ્ટ્રના પાચ જીલ્લાના નગરપાલિકામાં ભાજપનાં ચૂંટાયેલા સદસ્યો માટે સોમવારે ખાસ પ્રશિક્ષણ શિબિર યોજાઇ હતી. જેમા ભાજપનાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, પ્રવકતા સાથે ટોપની હરોળનાં નેતાઓએ ઉપસ્થિત રહી જન પ્રતિનિધિઓનાં કલાસ લીધા હતા.

નગરપાલિકાનાં ચૂંટાયેલા સદસ્યો તે પ્રજાના પ્રતિનિધી છે. લોકો વચ્ચે સતત રહેનાર સદસ્યએ નગરપાલિકાને પૈસા કમાવવાનું સાધન ન સમજવુ જોઇએ. કોન્ટ્રાકટનાં કામ રાખવાની જગ્યાએ પ્રજા વચ્ચે રહી તેમની સમસ્યા દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સદસ્યોને ટકોર કરી હતી.

ચોટીલામાં સુરેન્દ્રનગર જિલ્લાની સાથે સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, બોટાદ અને કચ્છ જિલ્લાની નગરપાલિકામાં ભાજપમાંથી ચૂંટાઇ આવેલા સદસ્યો માટે બે સ્થળોએ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયુ હતુ. અલગ અલગ વિષય પર રાખવામાં આવેલા વકતવ્યમાં સીએમ વિજયભાઈ રૂપાણીએ સરકાર અને કેન્દ્ર સરકારની યોજના, જીતુભાઇ વાઘાણીએ આ યોજના પ્રજા સુધી કેવી રીતે પહોંચાડવી તેની વિગતો જણાવી હતી.

જયારે આઇ.કે.જાડેજાએ નગરપાલિકા અધિનિયમ જયારે ભીખુભાઈ દલસાણીયાએ ભાજપના ઇતિહાસ વિશે સદસ્યોને માહિતગાર કર્યા હતા. જેમાં ખાસ કરીને નગરપાલિકાની ચૂંટણીમાં પ્રજાના મત લઇને ચૂંટાઇ આવ્યા બાદ ઘણા સભ્યો પ્રજાના કામને ભુલીને પાલિકા દ્વારા મંજુર કરાતા રોડ, રસ્તા, શૌચાલયો કે માટીકામ જેવા કામો રાખી કોન્ટ્રાકટરનું કામ કરતા હોય છે. અને આવા કામો કરીને મોટી રકમની કમાણી કરતા હોવાની વાત જગજાહેર છે. ત્યારે નગરપાલિકાનાં સદસ્યએ માત્ર પૈસા કમાવવાનું લક્ષ્ય ન રાખવુ જોઇએ.ઙ્ગ

પાલિકાએ રૂપિયા રળવાનું સાધન નહીં પરંતુ પ્રજાની સેવા માટે હોવાનો ટોણો મુખ્યમંત્રીએ સદસ્યોને માર્યો હતો. આ ઉપરાંત ભાજપનાં નેતાઓએ કોંગ્રેસ સરકારની નિષ્ફળતા અને ભાજપે રોડ, રસ્તાથી લઇ એરપોર્ટ સુધીના કરેલા વિકાસના કામોની સિધ્ધિ સદસ્યોને જણાવી હતી. તો સરકારે પ્રજાના આરોગ્ય, શિક્ષણ, વ્યવસાય સહિતની અનેક યોજનાઓ જે અમલી બનાવી છએ. તેનો વધુને વધુ લોકો લાભ લે તેવા પ્રયાસ કરવા જણાવ્યું હતું.

ચોટીલા ખાતે યોજાયેલ વર્ગ નું સફળતા પુર્વક આયોજન જીલ્લા પ્રમુખ દિલીપભાઈ પટેલ, પ્રદિપ ભાઇ વાળા, હિતેન્દ્રસિંહ ચૌહાણ સાથે જીલ્લા અને તાલુકાનાં ભાજપનાં આગેવાનોએ જહેમત ઉઠાવેલ હતી.

(2:04 pm IST)