Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

માણાવદરમાં સર્વરોગ નિદાન કેમ્પને મળેલ આગવી સફળતા

માણાવદર તા.૯:  શૈક્ષણિક સંસ્થા જે. એમ. પાનેરા શૈક્ષણિક સંકુલ તેમજ મધુરમ હોસ્પિટલ-રાજકોટના સહયોગથી આયોજીત સર્વરોગ નિદાન કેમ્પનું ઉદ્દઘાટન સતાધારની જગ્યાના મહંત શ્રી પુ. વિજયબાપુના હસ્તે દિપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આર્શીવાદ આપતા પૂ.વિજયબાપુએ દર્દીમાં ઇશ્વરના દર્શન કરી દર્દી નારાયણ ગણાવ્યાં હતાં. આવા દર્દીનારાયણની સેવા કરવા માટે શ્રી જેઠાભાઇ પાનેરાને અભિનંદન આપ્યા હતા. આ સંસ્થા ઉપર આપા ગીગાની કૃપા હંમેશા વરસતી રહે. શિક્ષણ અને સમાજ સેવાની જયોત હંમેશા જલતી રહે એવા આર્શીવાદ આપ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જેઠાભાઇ પાનેરાએ મહેમાનોનું પુષ્પોથી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શબ્દોથી સ્વાગત કરતા પોતાને નિમિત માત્ર યજમાન ગણાવ્યા હતા. પૂજય વિજયબાપુ જેવા સંતો-મહંતો અને સેવાના ભેખધારી ડોકટરોના સહયોગથી સેવાકીય કાર્ય યોજાતા રહે એવી લાગણી વ્યકત કરી હતી.

આ પ્રસંગે વયમર્યાદાના કારણે કોલેજમાંથી એકાઉન્ટન્ટ તરીકે નિવૃત થતા શ્રી વિરમભાઇ બારીયાનું સન્માનપત્ર તથા શાલ ઓઢાડી નિવૃતી બહુમાન કરવામાં આવ્યું હતું.

આ સર્વરોગ નિદાન કેમ્પમાં મધુરમ હોસિપટલ, રાજકોટના ડો.અવિનાશ મારૂ, ડો.રાહુલ પટેલ, તથા જુનાગઢના ડો. એન. ડી. ખારોડ, ડો.રાહુલ પંડયા, ડો.નિરવ ખારોડ, ડો.જોલીબેન ટીલાળા, માણાવદરના ડો.અખેડ સાહેબે પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી. ડોકટરશ્રીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોએ માનવસેવાને શ્રેષ્ઠ ગણાવી છેવાડાના વિસ્તારોમાં ગરીબ દર્દીઓના લાભાર્થે આ પ્રકારના સર્વરોગ નિદાન કેમ્પોનું આયોજન થતુ રહે એવી લાગણી વ્યકત કરી હતી.

કાર્યક્રમના અંતમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ. કે. મેત્રાએ પૂ. વિજયબાપુ પ્રત્યે પૂજયભાવ તથા આદરભાવ વ્યકત કરેલ. તેમજ કેમ્પમાં અમૂલ્ય સેવા આપનાર સર્વે ડોકટરશ્રીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. કે. ડી. કલસરીયાએ કર્યું હતું.

આ સર્વરોગ નિદાન કેમ્પનો વિશાળ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. દર્દીઓને જેઠાભાઇ પાનેરાના સૌજન્યથી વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

કાર્યક્રમને સફળ બનાવવા કોલેજ સ્ટાફ તથા આદિત્ય સ્કુલના સંચાલક પ્રવિણભાઇ સોલંકી તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં અગ્રણીઓ, ધર્મેશભાઇ પાનેરા, શ્રીમતી શાંતાબેન પાનેરા, શ્રીમતી નીશાબેન પાનેરા તેમજ શ્રી રાજસીભાઇ પાનેરા, શ્રી અરસીભાઇ પાનેરા, ડો.પંકજભાઇ જોષી, સુરેશભાઇ વેકરીયા, ડો.અખેડ ઉપસ્થિત રહ્યા હતા. (૧૧.૭)

(11:54 am IST)