Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ધારી સજ્જડ બંધઃ કાલે વિસાવદરમાં વનરાજોનું બેસણું

૨૩ સિંહોના મોત બાદ બજરંગ ગ્રુપ દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ

ધારી-વિસાવદર તા.૯: ૨૩ સિંહોના મોતની ઘટનાના વિરોધમાં આજે અમરેલી જીલ્લાનુ ધારી સજ્જડ બંધ રહ્યુ છે જયારે કાલે વિસાવદરમાં વનરાજોનુ બેસણુ રાખવામાં આવ્‍યુ છે.

ધારીના બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઇની આગેવાનીમાં આજે ધારી શહેર બંધ રાખવામાં આવ્‍યુ છે અને સિંહોના આત્‍માની શાંતી માટે પ્રતિક ઉપવાસ પણ કરવામાં આવી રહ્યા છે.

ધારીના દલખાણીયા રેંજમાં ૨૩-૨૩ સિંહોના થયેલ અકાળે મોતને લઇ સિંહ પ્રેમીઓમાં તથા સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે ત્‍યારે સિંહોને સાથે પરિવારની જેમ રહેતા ગીરના માલધારીઓને પણ આ અંગે ભારોભાર વસવસો છે.

આજ દિન સુધી ક્‍યારેય ગીરની ઇતિહાસમાં આવી ઘટના બની નથી. સિંહોના એક સાથે થયેલા આટઆટલા મોતથી સ્‍તબ્‍ધ માલધારી સમાજ દ્વારા વિસાવદરના જુના બસ સ્‍ટેન્‍ડ ચોક ખાતે કાલે તા.૧૦ના રોજ સવારના ૧૦ થી બપોરે બે કલાક સુધી એક બેસણાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ અંગે માલધારીઓના જણાવ્‍યા પ્રમાણે અમો શક્‍તિના ઉપાસક હોય અને નવરાત્રિના પ્રથમ દિવસે શક્‍તિની પૂજા અર્ચના કરી તેનું તમામ પુણ્‍ય મૃતક સિંહોને આપવાનું છે.

 સાવજના બેસણા કાર્યક્રમમાં સમગ્ર ગીર પંથકમાંથી અને ગીરબોર્ડર પરના ગામડાઓના લોકો, સિંહપ્રેમીઓ, આગેવાનો, રાજકીય લોકો આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહે તે માટેની તૈયારીઓ આયોજકો દ્વારા કરવામાં આવી છે.

 

(11:28 am IST)