Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

મોરબી જિલ્લાનો મુખ્‍યમંત્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ

મોરબી તા. ૯ : મુખ્‍યમંત્રી ગુજરાત રાજય તરફથી લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો ઓક્‍ટોબર-૨૦૧૮ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ' તા.૨૫ના સવારે ૧૧.૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે, જેમાં જિલ્લા કક્ષાનાં પ્રશ્નો- ફરિયાદો ૧૦મી ઓક્‍ટોબર-૨૦૧૮ સુધીમાં સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને પહોંચતા કરવાના રહેશે. તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે-તે તાલુકા મથકે મામલતદાર કચેરીમાં યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્ર્નો તેમને પહોંચતા કરવાના રહેશે તેમજ ગ્રામ સ્‍વાગતમાં ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્ર્નો/રજૂઆત અંગેની અરજી ‘મારી અરજી તાલુકા સ્‍વાગતમાં લેવી' તેમ લખીને સંબંધિત ગામના તલાટી/મંત્રીને સંબોધીને પહોંચતી કરવી.

ભડિયાદ ગૌશાળાના લાભાર્થે નાટક - કોમિકનો કાર્યક્રમ

મોરબીના ભડિયાદ ગામમાં ગૌશાળાના નિભાવ લાભાર્થે નવરાત્રી નિમિતે નાટક અને કોમિકનો ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં પ્રેરણાત્‍મક નાટક સાથે કોમિક પેટ પકડીને હસાવશે. શ્રી ભડિયાદ ગૌશાળા ટ્રસ્‍ટ ભડિયાદ દ્વારા તા. ૧૩ ને શનિવારે રાત્રે ૧૦ કલાકે ભડિયાદ ગરબી ચોક ગામ ભડીયાદ ખાતે ગૌશાળા સ્‍વયંસેવક કલાકાર મંડળ સહકારથી ભવ્‍ય પ્રેરણાત્‍મક નાટક ‘અજમલજીના રામદેવ' રજુ કરવામાં આવશે સાથે પેટ પકડીને હસાવતું નાટક ‘રમુજની રમઝટ' પણ રજુ કરવામાં આવશે ગૌશાળાના નિભાવ લાભાર્થે આયોજિત નાટકનો જાહેર જનતાએ લાભ લેવા નિમંત્રણ પાઠવ્‍યું છે.

રાસંગપરમાં બીએસએફ જવાનને શ્રધ્‍ધાંજલિ કાર્યક્રમ

બોર્ડર સિક્‍યુરીટી ફોર્સમાં ફરજ બજાવતા અને દેશની રક્ષા કાજે શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પુલીસ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં માળિયાના રાસંગપર ગામે સમારોહ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવશે.

બીએસએફ દ્વારા શહીદ જવાનો જે શાળા કોલેજમાં અભ્‍યાસ કર્યો હોય તે સ્‍થળે સમારોહ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવાનો સમારોહ યોજવામાં આવે છે અને પુલીસ શહીદ દિવસ ૨૦૧૮ અંતર્ગત માળિયાના રાસંગપર ગામે શહીદ જવાન દામજીભાઈ બુઠાસણાનો શ્રદ્ધાંજલિ સમારોહ યોજી દેશ માટે સર્વોચ્‍ચ બલિદાન આપનાર જવાનને શ્રધ્‍ધાંજલી અર્પણ કરાશે જે સમારોહમાં બીએસએફના અધિકારી, જવાનો અને સામાજિક અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્‍થિત રહેશે.

(10:19 am IST)