Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

હવે ચેલા-૨ વિસ્તારના એક હજાર ઘરોને મળશે નળથી જળ

૧૪૧ લાખના ખર્ચે 'નલ સે જલ' યોજનાનું ખાતમુહૂર્ત કરતા પુનમબેન

જામનગર તા.૯: નલ સે જલ કાર્યક્રમ અંર્તગત ચેલા -૨ વિસ્તારમાં ગ્રામીણ પેય જળ યોજનાનું ખાતમુહુર્ત કરતા સાંસદશ્રી પુનમબેન માડમે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદાના નીરને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડી સૌરાષ્ટ્રની તરસ છિપાવી છે. આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન મુખ્ય હતો ત્યારે પાણી, વીજળી, રોડ-રસ્તા સહિતના પ્રાથમિક જરૂરીયાતવાળા પ્રશ્નો અંગે સરકાર હંમેશા જાગૃત રહી ગ્રામીણ ક્ષેત્રે વધુમાં વધુ સુવિધાઓ ઉભી કરવા પ્રયત્નશીલ રહી છે.

ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે આ પ્રસંગે કહ્યુ હતું કે, ચેલા ગામની વર્ષો જૂની પાણીની સમસ્યાનો હવેથી અંત આવશે. આ તકે રાજય સરકારના ૨૦૨૨ સુધીમાં દ્યરે દ્યરે નળ થી જળ પહોંચાડવાના સંકલ્પને ચરિતાર્થ થતો જોઇ શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચેલા- ૨ વિસ્તારના એક હજારથી વધુ ઘરોને આ યોજના થકી પોતાના આંગણા સુધી પીવાના પાણીનો લાભ મળશે. આ માટે નલ સે જલ યોજના હેઠળ ૧૪૧ લાખની રાજય સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. આ સમગ્ર વ્યવસ્થા ઊભી કરવા ચેલા-૨ વિસ્તારમાં બે લાખ લીટરની ઊંચી ટાંકી,ચાર લાખ લીટરની ક્ષમતાનો સમ્પ, ૧૬ કિલોમીટર લાંબી પાઈપલાઈનનું માળખું, પંપીંગ મશીનરી, નળ જોડાણ, હાઈવે ક્રોસિંગ, વીજ જોડાણ સહિતની સુવિધાઓ ઉભી કરાશે. જેનું સંચાલન જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા કરવામાં આવશે.

આ પ્રસંગે મુકુંદભાઈ સભાયા, સરપંચ રાજુભાઇ, વિનુભાઈ ભંડેરી,  કે.કે.નંદા, વિઠ્ઠલભાઈ માંડવીયા, કુમારપાલસિંહ, ચંદુભા ખેર, દિલુભા, ગિરિરાજસિંહ જાડેજા, મહેશભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(1:29 pm IST)