Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

પોરબંદરની સાંઢીયા ગટરમાં નિયમિત સફાઇના અભાવે વરસાદના પાણીનો નિકાલ થતો નથીઃ વીરડી પ્લોટમાં મકાનોમાં પાણી ઘુસ્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૯ :.. શહેરના વરસાદના પાણી નિકાલ માટેની સાંઢીયા ગટરની નિયમીત સફાઇ થતી નથી જેને કારણે અઢીથી ત્રણ ઇંચ વરસાદ પડતા પાણીનો નિકાલ થઇ નહી થતાં નજીકના વિરડી પ્લોટના મકાનોમાં વરસાદના પાણી ઘુસી જતાં નુકસાની થઇ હતી.

જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઇ પરમાર અને શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ હેરીભાઇ કોટીયાએ સત્તાવાળાઓને રજૂઆતમાં જણાવ્યું છે કે, શહેરના લઘુમતી વિસ્તારો જેવા કે ખાઇ કાંઠા રોડ, મેમણવાડ ઉપરાંત અનુ. સમાજ વસે છે. તે વિરડી પ્લોટ વિસ્તારોમાં અનેક મકાનોની અંદર વરસાદી પાણી ઘુસી ગયા છે. અને તેનો નિકાલ થતો નથી. આ વિસ્તારમાં અનેક પરિવારોના માલ-સામાનને વરસાદી પાણી ભરાવાથી નુકસાન થયું છે. ફળીયા અને મકાનની અંદર અડધોથી બે ફુટ પાણી ભરાઇ ગયા છે. અને તેનો નિકાલ થતો નહી હોવાથી લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે.

રાજકોટ મ્યુ. ને કરેલી ફરીયાદમાં જણાવ્યું છે કે પોરબંદર નગરપાલીકાનું તંત્ર શહેરની ઉંડી સાંઢીયા ગટર ૧૦૦ ટકા સફાઇ કરી હોવાનો જે દાવો કરે છે એટલા માટે પોકળ છે કે માત્ર અઢીથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે વિસ્તારમાં વરસાદના પાણીનો નિકાલ થતો નથી તેથી જો સાંઢીયા ગટરની વ્યવસ્થિત અને યોગ્ય રીતે સફાઇ થઇ હોય તો વરસાદના પાણી ભરાવાનો કોઇ પ્રશ્ન જ રહે નહીં નગરપાલીકાનું તંત્ર અમારા વિસ્તારમાં સુવિધાઓ આપવામાં અખાડા કરે છે. આ વિસ્તારમાં ચાર - ચાર સુધરાઇ સભ્યો કોંગ્રેસના ચૂંટાયેલા છે. પાલીકામાં ભાજપની બોડીનું શાસન છે. તેથી વિકાસ કામોમાં પાલીકાની ભેદભાવભરી નીતિનો ભોગ બનવું જ પડે છે. તેમ રજૂઆતમાં જણાવેલ છે. 

(1:24 pm IST)