Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

આટકોટના લાલજીભાઇ પટેલની હત્યા લૂંટના ઇરાદે જ થઇ હતી

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૯ :.. આટકોટની પાદરડી વાડી તરીકે ઓળખાતી વાડીમાં જ રહી ખેતી કરતાં લેઉવા પટેલ લાલજીભાઇ બાલાભાઇ ખોખરીયા ઉ.વ.પ૦ ની લૂંટ વીથ મર્ડરની ઘટનામાં પોલીસે મરણ જનાર પ્રૌઢનાં પુત્ર રવિની ફરીયાદ લઇ હત્યાનો ભેદ ઉકેલવા જુદી જુદી ટીમો કામે લગાડી હત્યારાના સગડ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. મરનાર પ્રૌઢનાં ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ પણ લૂંટારૂઓ લૂંટી ગયા છે.

મરનાર પ્રૌઢનો પુત્ર સુરત રહે છે તેમના પત્નિ પણ તેમની પુત્રવધુ આણુ ગયા હોય સુરત હતાં ગઇકાલે તેઓ રાત્રે આવ્યા બાદ સામાન જોતા ઘરમાં પડેલ સોનાની ત્રણ વીંટી, ચાંદીના એક જોડી સાંકળા, તુલસીના પારા મઢેલ સોનાની માળા અને ર૦ હજાર રોકડા મળી કુલ ૭૦ હજારનો મુદામાલ ન મળી આવતાં  પોલીસે પ્રાથમીક દ્રષ્ટિએ આ ઘટના લુંટ વીથ મર્ડરની હોવાનું અનુમાન લગાવી જુદા જુદા એંગલથી અંકોડા મેળવવા કામે લાગી ગયા છે.

ગઇકાલે તેમનો પુત્ર તેમના પત્ની સહીતના સગાવ્હાલા સુરથી આવ્યા બાદ પ્રૌઢના પુત્ર રવિએ અજાણ્યા શખ્સો દ્વારા તેમના પિતાની હત્યા કર્યાની ફરીયાદ આટકોટ પોલીસલખાવી છે.

પોલીસ દ્વારા મળતી માહીતી મુજબ હત્યા થઇ છે તે વિસ્તારમાં સીસીટીવી કેમેરા ન હોય હજુ હત્યારાના સગડ મળ્યા નથી આમ છતા પોલીસે આજુબાજુના રોડ ઉપર લાગેલા કેમેરા જોયા છે તેમજ આજુબાજુની વાડીમાં રહેતા મજુરો કોઇ બે દિવસથી જતા રહયા હોય તેમની પણ તપાસ કરી છે.

ઉપરાંત મોબાઇલ લોકેશનના આધારે હત્યારાના સગડ મેળવવા પણ તે દિશામાં તપાસ ચાલુ કરી છે.

ગઇકાલે બનેલી આ લૂંટ વીથ મર્ડરની ઘટનાની જાત માહીતી મેળવવા રૂરલ એસ. પી. બલરામ મીણા, ગોંડલ ડીવાયએસપી ઝાલાએ પણ ઘટના સ્થળની મુલાકાત લઇ તપાસમાં જરૂરી સુચનાઓ આપી હતી.

હાલ રૂરલ એસ. ઓ. જી., એલ. સી. બી. સહિતના પોલીસ સ્ટાફે આટકોટમાં ધામા નાખી હત્યારાઓને શોધવા તપાસનો ધમધમાટ ચાલુ કર્યા છે.

આ બનાવે આટકોટ તેમજ આજુ બાજુમાં સનસનાટી ફેલાઇ જવા પામી છે.

આ બનાવની વધુ તપાસ આટકોટના પીએસઆઇ કે. પી. મેતા ચલાવી રહ્યા છે.

(12:21 pm IST)