Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ફરી રાહ જોવડાવ્યા બાદ કચ્છમાં મેઘરાજાની મહેર : છૂટો છવાયો અડધાથી ત્રણ ઇંચ વરસાદ

મુન્દ્રામાં વીજળી પડતા ૬ બકરીના મોત : માંડવીમાં મંદિર ઉપર વીજળી પડી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૯ : કચ્છમાં ગત અઠવાડિયે છૂટો છવાયો વરસાદ પડયા પછી ફરી મેઘરાજાએ મહેર કરી છે. સતત વરસાદ ખેંચાતા કચ્છમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તે વચ્ચે મેઘરાજાની મહેરથી પશુપાલકોની ચિંતા હળવી થઈ છે. જોકે, ખેડૂતો માટે હજીયે પરિસ્થિતિ કપરી છે. સખત ગરમી અને બફારા પછી ગઇકાલે મોડી સાંજે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. જોકે, હજીયે સાર્વત્રિક સચરાચર વરસાદની ખામી છે. પરંતુ, છૂટો છવાયો અડધોથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો તે પણ હાલના તબક્કે કચ્છ જિલ્લા માટે મહેર સમાન છે.

ભુજમાં અડધાથી એક ઇંચ જયારે ખાવડા બન્ની વિસ્તારમાં ધોધમાર બે ઇંચ, નખત્રાણા પંથકમાં એક થી ત્રણ ઇંચ, માંડવી મુન્દ્રામાં એક થી બે ઇંચ, અબડાસા, લખપતમાં છૂટો છવાયો અડધા થી પોણો ઈંચ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપરમાં પણ અડધોથી પોણો ઇંચ વરસાદના વાવડ છે.

દરમિયાન મુન્દ્રાના નવીનાળ ગામે વીજળી પડવાથી પશુપાલક પચાણજી નોંઘણજી જાડેજાની છ બકરીના મોત નિપજયા હતા. માંડવીના નાના ભાડિયા ગામે ગણેશ મંદિર ઉપર વીજળી પડતાં મંદિરના શિખરને નુકસાન થયું હતું. આજે પણ કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ હોઈ મેઘરાજાની કૃપા રહે એવું વાતાવરણ છે.

(10:27 am IST)