Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ગીરનાં જંગલમાં ભારે વરસાદ : રાવલ ડેમમાં ૧૦ ફુટ નવું પાણી આવતા ડેમ ઓવરફ્લોઃ શિંગોડા,હિરણ-૨ અને મચ્છુન્દ્રી ડેમ પણ ઓવરફ્લોઃ હિરણ-૧ ડેમ ૯૦ ટકા ભરાઇ ગયોઃ તળાવ ચેકડેમો પણ છલકાતા પાણીના તળ ઊંચા આવશે

ગીર-સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ : જિલ્લાનાં ડેમો ઓવરફ્લો

પ્રભાસ પાટણ તા. ૯: ગીર-સોમનાથ જિલ્લામાં મેદ્યરાજાની કૃપા વધુ એક વખત થતા જિલ્લામાં પાણીનો પુરતો જથ્થો સંગ્રહિત થયો છે. ખેડૂતોમાં ખુશી છે. શનિવારે રાત્રે અને રવિવારે બપોર સુધીમાં જુદા-જુદા વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે. ગીરનાં જંગલમાં ૪ થી ૫ ઇંચ તેમજ કોડીનાર-ઉના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે.

આજે રવિવાર બપોર સુધીમાં તાલાળામાં ૪૦ મી.મી., ઉના ૫ મી.મી., વેરાવળ ૬ મી.મી., સુત્રાપાડા ૩ મી.મી., ગીરગઢડા ૯ મી.મી. તેમજ કમલેશ્વર ડેમ સાઇટ પર ૧૦૦ મી.મી. વરસાદ પડ્યો છે. આજે સવાર ૬.૦૦ કલાકે પાછલા ૨૪ કલાક દરમ્યાન કોડીનારમાં ૧૧૦ મી.મી.,તાલાળામાં ૭૦ મી.મી.,વેરાવળમાં ૪૦ મી.મી.,સુત્રાપાડામાં ૬૦ મી.મી. વરસાદ પડેલ હતો.

ગીર-સોમનાથ જિલ્લાનાં મુખ્ય પાંચ ડેમમાંથી ચાર ડેમ ઓવરફ્લો અને કમલેશ્વર હિરણ-૧ ડેમ ૯૦ ટકા ભરાઇ ગયો છે. તેનાં નિંચાણવાળા ગામોને એલર્ટ રહેવા જણાવાયું છે. ડેમનાં નિંચાણવાળા ગામોનાં લોકોએ નદીનાં પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે. રોડ પર વોકળામાંથી પાણી વહી રહ્યું હોય ત્યારે વાહન ન ઉતારવા અપીલ કરવામાં આવી છે.

તાલાળાનાં વાડલા ગામ પાસે વોકળાનાં પુરમાં એક ફોરવ્હીલ તણાંઇ ગઇ છે. જેમાં બીલખાનાં રહીશ તણાંઇ ગયાનાં બનાવનાં પગલે પોલીસ અને તંત્ર ગાડીની શોધખોળ કરી રહ્યા છે.

આજે રવિવારે સવારે હિરણ-૨નાં પાંચ દરવાજા ચાર ફુટ, રાવલ ડેમનાં છ દરવાજા ચાર ફુટ, શિંગોડાનાં ત્રણ દરવાજાને એક ફુટ ખોલવામાં આવ્યા હતા. જોકે ત્યાર પછી પાણીની આવક દ્યટતા રાવલનાં દરવાજા બંધ કરી ત્રણ દરવાજાને બે ફુટ રાખવામાં આવ્યા હતા.

જિલ્લા તંત્રનાં અધિકારીઓ, કલેકટર કચેરી,મામલતદાર કચેરીઓ, સિંચાઇ વિભાગ, પોલીસ,ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા વરસાદની સ્થિતિમાં એલર્ટ છે. નિંચાણવાળા ગામોનાં તલાટીઓ પણ ફરજ બજાવી રહ્યા છે.જિલ્લાનાં ખેડૂતોમાં આનંદની લાગણી છે. ચેકડેમો અને સુજલામ સુફલામ યોજના હેઠળ બનેલા તળાવોમાં પણ પાણી આવ્યું છે. જેનાથી પાણીનાં તળ ઉંચા આવશે અને જિલ્લામાં આગામી રવિપાકને પણ ફાયદો થશે.

(12:04 pm IST)