Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ચોટીલામાં સ્‍કોર્પિયોએ બાઇકને ઉલાળતાં ૧૧ વર્ષના રચીતનું મોતઃ તેના શિક્ષક પિતાનો પગ કપાઇ ગયો

માતાને પણ ઇજાઃ રચીતને નવી સ્‍કૂલમાં બેસાડવો હોઇ ત્‍યાં જઇ ઝરીયા મહાદેવ દર્શન કરી ઘરે જતી વખતે બનાવઃ મુકેશભાઇ ચાવડાનો જમણો પગ નળા પાસેથી કપાઇને હોન્‍ડામાં ફસાઇ ગયોઃ એકના એક દિકરાના મોતથી પરિવારમાં અરેરાટી : કપાયેલો પગ થેલીમાં નાંખી રાજકોટ હોસ્‍પિટલમાં સાથે લાવ્‍યા

ઘટના સ્‍થળે અકસ્‍માત ગ્રસ્‍ત વાહનો સ્‍કોર્પિયો અને બાઇક તથા બાઇકમાં કપાઇને ફસાયેલો પગ અને રાજકોટ સારવાર હેઠળ રહેલા શિક્ષક મુકેશભાઇ ચાવડા તથા તેમના પત્‍નિ ભાવનાબેન નજરે પડે છે. ઇન્‍સેટ તસ્‍વીર કાળનો કોળીયો બની ગયેલા માસુમ રચિતની છે.

રાજકોટ તા ૯: ચોટીલાના નવાગામના પાટીયા પાસે સ્‍કોર્પિયોએ બાઇકને ઉલાળતાં બાઇક ચાલક ચોટીલા રહેતાં શિક્ષક તથા પાછળ બેઠેલા તેમના પત્‍નિ અને પુત્ર ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. જેમાં શિક્ષકનો જમણો પગ નળા પાસેથી કપાઇને બાઇકમાં ફસાઇ ગયો હતો. ત્રણેયને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ એકના એક ૧૧ વર્ષના દિકરાનું મોત નિપજતાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ચોટીલામાં રહેતાં અને નજીકના ઇશ્વરીયા ગામે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં મુકેશભાઇ પ્રેમજીભાઇ ચાવડા (દલિત) (ઉ.વ.૪૦)ના દિકરા રચીત (ઉ.વ.૧૧)નું ધોરણ-૬માં થાન રોડ પર આવેલી સેન્‍ટમેરી સ્‍કૂલમાં એડમિશન લેવાનું હોઇ ગઇકાલે સાંજે મુકેશભાઇ પોતાના પત્‍નિ ભાવનાબેન (ઉ.૩૫) તથા પુત્ર રચિત (ઉ.૧૧)ને હોન્‍ડા નં. જીજે૦૪બીએ-૨૩૭૪માં બેસાડીને સ્‍કૂલ ખાતે ગયા હતાં.

ત્‍યાંથી ઝરીયા મહાદેવના દર્શન કરી પરત ચોટીલા ઘર તરફ આવી રહ્યા હતાં ત્‍યારે સ્‍કોર્પિયો ગાડી જીજે૧૩એએમ-૪૩૩૩ની ઠોકરે બાઇક ચડી જતાં દંપતિ, પુત્ર ત્રણેય ફેંકાઇ ગયા હતાં અને બાઇકનો બૂકડો બોલી ગયો હતો. શિક્ષક મુકેશભાઇનો જમણો પગ નળા પાસેથી કપાઇને નોખો પડી તેના જ હોન્‍ડામાં ફસાઇ ગયો હતો.  પુત્ર રચિતને પણ ગંભીર ઇજા પહોંચી હતી. મુકેશભાઇ, પત્‍નિ ભાવનાબેન અને પુત્ર રચિતને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

પરંતુ અહિ રચિતનું મોત નિપજ્‍યું હતું. જ્‍યારે મુકેશભાઇ અને ભાવનાબેનને દાખલ કરાયા હતાં. શિક્ષક મુકેશભાઇ પોતાનો કપાયેલો પગ થેલીમાં નાંખી રાજકોટ હોસ્‍પિટલ ખાતે લાવ્‍યા હતાં. એકનો એક દિકરો હયાત નહિ રહ્યાની વાતથી માતા-પિતાને મોડી સવાર સુધી અજાણ રખાયા હતાં. હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂએ ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(12:15 pm IST)