Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

કચ્છ : ઘૂસણખોરી કરી રહેલા પાક. નાગરિકને BSFએ ઠાર માર્યો

અમદાવાદ તા. ૮ : પાકિસ્તાની બોર્ડર પર બીએસએફ (BSF) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બીએસએફએ ઘૂસણખોરી કરી રહેલા એક પાકિસ્તાની નાગરિકને શૂટ કર્યો છે. ગુજરાત-રાજસ્થાનની પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા નજીક ગત મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. શુક્રવારે મોડી રાત્રે કચ્છ સરહદ નજીક એક શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત અને રાજસ્થાનને અડીને પાકિસ્તાનની બોર્ડર આવેલી છે. શુક્રવારે મોડી રાત્રે કચ્છ સરહદે એક શખ્સ બોર્ડર પાર કરતો જોવા મળ્યો હતો. બીએસએફના જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે જોઈને ઘૂસણખોર ભાગ્યો હતો અને નાના ઝાડવા પાછળ લપાઈ ગયો હતો. જેથી બીએસએફના જવાનોએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં આ શખ્સનું મોત નિપજયું છે.

આ ઘટના બાદ પાકિસ્તાનના જવાનો પણ સામે પાર એલર્ટ થઈ ગયા હતા. આ ઘૂસણખોર અંગેની માહિતી BSFએ પાકિસ્તાન પાસેથી માગી છે. આ ઘૂસણખોર કોણ છે તે હજી જાણી શકાયું નથી. પરંતુ બીએસએફ દ્વારા તેની વધુ માહિતી મેળવાઈ રહી છે.  ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજસ્થાન પાસે આવેલી બોર્ડર પર સતત ઘૂસણખોરીનો પ્રયાસ થતો રહે છે. આ બોર્ડર અતિસંવેદનશીલ ગણાય છે. રાત્રિના અંધકારમાં બોર્ડર પાર કરવાનો પ્રયાસ થતો રહે છે. જેથી બીએસએફ દ્વારા આ બોર્ડર પર ચુસ્ત પેટ્રોલિંગ કરવામા આવે છે.

(3:49 pm IST)