Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

૧૦મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ભવ્યતાથી ઉજવણી કરાશેઃ ગીરના જંગલમાં સિંહોને બચાવવા ૧૨ લાખ વિદ્યાર્થીઓ સિંહોના મહોરા પહેરીને સિંહ ગર્જના કરશે અને સિંહોના સંરક્ષણની પ્રતિજ્ઞા લેશે

જૂનાગઢઃ સમગ્ર વિશ્વમાં 10 ઓગષ્ટ 'વિશ્વ સિંહ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. એશિયાટિક સિંહોના આખરી રહેઠાણ એવા ગીર જંગલમાં સિંહોને બચાવવા માટે 10 ઓગષ્ટના રોજ 12 લાખ વિદ્યાર્થીઓ સિંહોના મોહરા પહેરી સિંહ ગર્જનાકરશે અને સિંહોના સંરક્ષણની પ્રતિજ્ઞા લેશે.

 

જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળનાં સાસણ વિભાગ (વન્ય પ્રાણી વર્તુળ) દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી ખૂબ મોટા પાયા પર વિશ્વ સિંહ દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે અને આ ઉજવણીને આકરી ઓપ અપાઇ રહ્યો છે.
મુખ્ય વન સંરક્ષક (જૂનાગઢ, વન્ય પ્રાણી વર્તુળ), ડી.ટી વસાવડાએ જણાવ્યુ કે, “10 ઓગષ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણીનું મોટા પાયે આયોજન કર્યુ છે. ગીર જંગલની સાથે સાથે સૌરાષ્ટ્રના જે-જે વિસ્તારોમાં સિંહો જોવા મળે છે તે તમામ વિસ્તારો-ગામડાઓની શાળાઓમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે.

મુખ્ય વન સંરક્ષક (જૂનાગઢ, વન્ય પ્રાણી વર્તુળ) ડી.ટી વસાવડાએ વધુમાં જણાવ્યુ કે, “શાળાઓના બાળકોને જ વન્ય પ્રાણી સંરક્ષણમાં જોડવાનો હેતુ એ છે કે, તેઓ મોટા થઇને તેમની આસપાસ વન્યપ્રાણીઓનું સંરક્ષણ કરે અને તેમને બચાવે. સિંહ દિવસની ઉજવણી દ્વારા શાળોના બાળકોમાં વન્ય પ્રાણીઓ પ્રત્યેની જાગૃતિ લાવવાનો જ ઉદ્દેશ્ય છે.
આ અંગે નાયબ વન સંરક્ષક (સાસણ વન્યપ્રાણી વિભાગ) મોહનરામે ન્યૂઝ 18ને જણાવ્યું કે, "ગીરની આસપાસના પાંચ જિલ્લાઓના 40 તાલુકાઓની 4500 શાળાઓના 12 લાખ વિદ્યાર્થીઓ આ લાયન ડે સેલિબ્રેશનમાં જોડાશે. શાળાઓના બાળકો રેલી જે-તે શાળાઓ-ગામોમાં રેલી કાઢશે. સિંહ બચાવવા માટેના સૂત્રો બોલેશે. આ રેલીઓ પૂરી થયા પછી તેમની શાળાઓમાં પરત ફરશે. જ્યાં આ તમામ શાળાઓના બાળકો સિંહ સંરક્ષણ માટેના શપથ લેશે અને સિંહો પર બનાવવામાં આવેલી ફિલ્મ દર્શાવવામાં આવશે. આ દિવસે બાળકો પણ સિંહ સંરક્ષણ વિષય પર તેમના વક્તવ્યો આપશે."
છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વ સિંહ દિવસની મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે આ ઉજવણીનો વ્યાપ વધતો જાય છે. વિસ્તાર વધતો જાય છે.

વિશ્વ સિંહ દિવસની ઉજવણીનું સમગ્ર સંચાલન સાસણ (વન્ય પ્રાણી વિભાગ) વન વિભાગ દ્વારા કરવામાં આવે છે અને પાંચ જિલ્લાઓની શાળાઓ સાથે સંકલન કરી યોજનાબદ્ધ રીતે આયોજન કરવામાં આવે છે.
2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, એશિયાટિક સિંહોની સંખ્યા 523 છે અને આ સંખ્યા વધતી જાય છે. એશિયાટીક સિંહો વિશ્વમાં માત્ર ગીરના જંગલોમાં જ બચ્યા છે.

(7:01 pm IST)