Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

પોલીસની ઓળખ આપી ગુનાઓ આચરતી મુંબઇની ઇરાની ગેંગના ૪ને સુરેન્દ્રનગર પોલીસે દબોચ્યાઃ પાંચ ગુના ઉકેલાયા

સુરેન્દ્રનગર કન્ટ્રોલ રૂમના સીસીટીવી કેમેરામાં મહારાષ્ટ્ર પાસીંગની શંકાસ્પદ કાર દેખાઇ અને રાજકોટ-જામનગરમાં ગઇકાલે જ થયેલી ચોરી ઉપરાંત લીંબડી, સુરેન્દ્રનગર, જામનગરના બીજા ત્રણ ગુના પણ ડિટેકટ થયાઃ સોનાના પાંચ બિસ્કીટ સહિતનો મુદ્દામાલ કબ્જે : ડીવાયએસપી એચ. પી. દોશીની રાહબરીમાં સીટી એ-ડિવીઝન પીઆઇ વી. વી. ત્રિવેદીની ટીમોને સફળતાઃશાહજોર સૈયદ, લાલા શેખ, યુસુફઅલી શેખ અને મોહસીનઅલી જાફરીને પકડી લેવાયાઃ ચારેયની વિસ્તૃત પુછતાછમાં હજુ વધુ ભેદ ખુલવાની શકયતા

ઝડપાયેલા ઇરાની ગેંગના ચારેય શખ્સો સાથે સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ તથા કાર જોઇ શકાય છે

રાજકોટ તા. ૯: ગઇકાલે શહેરની કરણસિંહજી હાઇસ્કૂલ પાસે રિક્ષામાં જઇ રહેલા જુનાગઢના સોની વેપારી દિપક અશોકભાઇ જોગીયા (ઉ.વ.૨૭)ની રિક્ષાને બાઇકમાં આવેલા બે શખ્સે આંતરી હિન્દી ભાષામાં વાત કરી પોતે ક્રાઇમ બ્રાંચમાંથી આવે છે તેમ કહી થેલો ચેક કર્યા બાદ તેના પેન્ટના ખિસ્સામાંથી રૂ. ૨૪,૨૫,૦૦૦ના સોનાના પાંચ બિસ્કીટ મળતાં પોલીસ સ્ટેશને આવવું પડશે તેમ કહી બંને શખ્સ બાઇક પર બેસી ભાગી ગયા હતાં. આ ગુનાનો ભેદ સુરેન્દ્રનગર ડીવાયએસપી એચ. પી. દોશી અને એ-ડિવીઝન પીઆઇ વી. વી. ત્રિવેદીની ટીમે ઉકેલી નાંખી મહારાષ્ટ્ર મુંબઇની ઇરાની ગેંગ કે જે મોટે ભાગે પોલીસની ઓળખ આપી રોકડ-દાગીનાની ચોરીઓ કરવા પંકાયેલી છે તે ગેંગના ચાર શખ્સોને સુરેન્દ્રનગરથી દબોચી લેતાં ગઇકાલે જામનગરમાં પણ થયેલી એક ચોરી અને અગાઉની બીજી જામનગરની ચોરી તથા સુરેન્દ્રનગર, લીંબડીના બે ગુના મળી કુલ પાંચ ગુનાઓનો ભેદ ઉકેલી નાંખવામાં આવ્યો છે.

આ ગુનામાં સુરેન્દ્રનગર પોલીસે ઇરાની ગેંગના ચાર શખ્સો (૧) શાહજોર સજ્જાદ હુસેન સૈયદ  (ઉ.વ ૪૩ ધંધો વીટીના નંગનુ વેંચાણ રહે. ગામ આંમ્બીવલી મંગલનગર તા. કલ્યાણ જી. થાણે મુબંઇ રાજ્ય મહારાષ્ટ્ર) (૨) લાલા સમીરભાઇ જફર શેખ (ઉ.વ ૪૪-ધંધો વીટીના નંગનું વંેચાણ રહે.ગામ આંમ્બીવલી વન હાઉસ ઇન્દીરા નગર અટાલી રોડ  આંમ્બીવલી સ્ટેશન પાસે તા. કલ્યાણ  જી. થાણે મુંબઇ મહારાષ્ટ્ર), (૩) યુસુફઅલી અજીજઅલી શેખ (ઉ.વ ૪૯ ધંધો ચશ્મા તથા વીટીના નંગનું વેચાણ રહે. રૂમ નં જી-૨  પંકેશાહ બાબા દરગાહ પાસે મુલ્લા અબ્દુલ ખલીફ ચાલી એલ.બી.એસ. રોડ ધાટકોપર વેસ્ટ મુંબઇ  મહારાષ્ટ) તથા (૪) મોહસીનઅલી નાસીરઅલી  જાફરી (ઉ.વ ૩૫-ધંધો ચશ્મા તથા વીટીના નંગનું વેચાણ રહે.રૂમ નં-૬ પંકેશાહ બાબા દરગાર પાસે મુલ્લા અબ્દુલ ખલીફ ચાલી એલ.બી.એસ. રોડ ધાટકોપર વેસ્ટ મુંબઇ  મહારાષ્ટ)ની ધરપકડ કરી મહારાષ્ટ્ર પાસીંગની આઇ-૨૦ કાર તથા સોનાના પાંચ બિસ્કીટ રૂ. ૨૪,૨૫,૦૦૦ના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ડીવાયએસપીશ્રી એચ. પી. દોશીના જણાવ્યા મુજબ ગઇકાલે સાંજે સુરેન્દ્રનગર કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ અને તેમની ટીમો નેત્રમ અને વિશ્વાસ પ્રોજેકટ હેઠળના સીસીટીવી કેમેરામાં ફૂટેજ ચેક કરતાં હતાં ત્યારે સુરેન્દ્રનગરની સી. યુ. શાહ હોસ્પિટલ પાસે મહારાષ્ટ્ર પાસીંગની આઇ-૨૦ કાર શંકાસ્પદ જણાઇ હતી. જેમાં ચાર શખ્સો પણ શંકાસ્પદ લાગતાં હોઇ તુરત જ આ કાર સુરેન્દ્રનગર એ-ડિવીઝન વિસ્તારમાં હોઇ ત્યાંના પીઆઇ વી. વી. ત્રિવેદીને જાણ કરવામાં આવતાં તેઓ ટીમ સાથે પહોંચ્યા હતાં અને કારને આંતરી લીધી હતી.

અંદર બેઠેલા ચાર શખ્સોની પુછતાછ કરતાં તેમણે મહારાષ્ટ્ર મુંબઇથી અંગત કામ માટે આવ્યાનું રટણ કર્યુ હતું. પરંતુ તેના હાવભાવ શંકાસ્પદ હોઇ વધુ પુછતાછ કરવામાં આવતાં અને તલાશી લેવામાં આવતાં સોનાના પાંચ બિસ્કીટ મળ્યા હતાં. આ અંગે આકરી પુછતાછ શરૂ થતાં જ તેમણે બપોરે જ રાજકોટના સોની વેપારીને ક્રાઇમ બ્રાંચની ઓળખ આપી આ બિસ્કીટની ચોરી કર્યાનું કબુલતાં રાજકોટ પોલીસને ગુનો ડિટેકટ થયાની જાણ કરવામાં આવી હતી.

ચારેયની વિશેષ પુછતાછમાં બીજા ચાર ગુનાઓ પણ ઉકેલાઇ ગયા છે. જેમા  યુસુફઅલી શેખે આજથી એકાદ વર્ષ પહેલા સુરેન્દ્રનનગર વાદીપરા એસ.બી.આઇ બેંકમાથી એક બહેન નીકળતાં તેમને આગળ ચેકીંગ છે, પોલીસ છે...એવી વાતો કરી નજર ચુકવી રૂ. ૬૯૦૦૦ ચોરી લીધા હતાં. તે અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કલમ ૩૭૯ મુજબનો ગુનો નોંધાયો હોઇ તેની કબુલાત આપી છે.   

જ્યારે ગઇકાલે ગુરૂવારે જ ૦૮/૦૭ના જામનગર આર્યસમાજ રોડ ઉપરથી એક બહેન ઇસમ ની નજર ચુકવી તેની પાસેથી સોના દાગીનાની ચોરી કર્યાની કબુલાત આપી છે. આ ઉપરાંત જામનગરનો અગાઉનો પણ ચોરીનો ગુનો આ ટોળકીએ કબુલ્યો છે.

આ ઉપરાંત યુસુફઅલી શેખે આજથી એકાદ વર્ષ પહેલા સુરેન્દ્રનગર જીલ્લાના લિંબડી મુકામેથી યુનીયન કોરપોરેશન બેકમાથી નીકળેલા એક ભાઇની નજર ચુકવી રૂ. ૨,૦૨,૦૦૦ની ચોરી કર્યાનું કબુલ્યું છે. આ ગુનો લિબડી પોલીસ સ્ટશનમાં નોંધાયો છે. આમ આ ટોળકીએ પાંચ ગુના કબુલ્યા હોઇ વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે.

રેન્જ આઇજી સંદિપસિંહ,પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તથા ડીવાયએસપી એચ. પી. દોશીની સુચના અને રાહબરી હેઠળ પીઆઇ વી. વી. ત્રિવેદી, સર્વેલન્સ હેડકોન્સ. ધનરાજસિંહ વાઘેલા, વિજયસિંહ ડોડીયા, મુકેશભાઇ ઉતેળીયા, અમિતભાઇ મહેતા, હેડકોન્સ. હારૂનભાઇ કુરેશી, કોન્સ. વિજયસિંહ પરમાર, મહાવીરસિંહ બારડ, કોન્સ. કિશનભાઇ ભરવાડ, નિકુલસિંહ પરમાર સહિતે આ કામગીરી કરી છે.

પોલીસે એમએચ૪૩એએસ-૯૮૮૮ નંબરની સફેદ રંગની આઇ-૨૦ કાર રૂ. ૨,૫૦,૦૦૦ની તથા રૂ. ૨૦૫૦૦ના ૬ મોબાઇલ ફોન અને રૂ. ૨૫,૨૫,૦૦૦ના સોનાના પાંચ બિસ્કીટ  કબ્જે લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

(1:11 pm IST)