Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનામાં માતા-પિતાના અવસાન પામનાર ૨૮ બાળકોને દર મહિને રૂ. ૪૦૦૦ મળશે : ખાતામાં રૂ. ૧.૧૨ લાખ જમા કરાયા

જૂનાગઢ તા.૯ : જિલ્લામાં કોરોનાના કઠીન સમયમાં માતા-પિતાનું અવસાન થયું હોય તેવા ૨૮ બાળકોને દર મહિને રૂ. ચાર હજાર સહાય મળશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી એ સમગ્ર રાજયની સાથે જૂનાગઢ જિલ્લાના ૨૮ બાળકોના ખાતામાં રૂ.૧.૧૨ લાખ જમા કરાવી બાળ સેવા યોજનાનું ઇ-લોન્ચીંગ કર્યું હતું.

જૂનાગઢ કલેકટર કચેરી ખાતે બાળ સેવા યોજના અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ૨૮ બાળકોને જિલ્લા કલેકટરશ્રી રચિત રાજ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખ,ચાઇલ્ડ વેલફેર બોર્ડના ચેરમેન ગીતાબેન માલમ,મહિલા અગ્રણી શ્રીમતી આરતીબેન જોષી,શુશ્રી કનકબેન વ્યાસ,દમયંતીબેન રાઠોડ,શ્રી જીતેન્દ્રભાઇ પનારા,શ્રી રમેશ કુકડીયાના હસ્તે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી રામાણીના જણાવ્યા મુજબ માર્ચ ૨૦ થી કોરોનાના અંત સુધી આ યોજનાનો લાભ મળશે. કોરોના અગાઉ માતા કે પિતાનું અવસાન થયેલ હોય અને કોરોના કાળમાં બીજા વાલીનું અવસાન થયું હોય તો પણ આ યોજનાનો લાભ મળે છે. જિલ્લામાં આવા ૨૮ બાળકોની ઓળખ થય છે. હજુ કોઇ આવા બાળકો હોય તો તેમના વાલી જિલ્લા બાળ સુરક્ષા એકમને ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરી શકે છે.

આ તકે આરતીબેન જોષી ભાવુક થઇને કહ્યું કે,અમે કોરોનાનો માર ઝીલ્યા છે. આ બાળકોની અમે દર મહિને મુલાકાત લેશું. તેની સાથે સંપર્કમાં રહીશું.તેમની જેટલી સારસંભાળ લેવાઇ તે લેશું. બાળ સેવા યોજનાના લાભાર્થીના વાલી હિતેષભાઇ કેલૈયાએ એ કોરોના કાળમાં સરકાર દ્વારા શરૂ કરાયેલ આ યોજના બાળકો માટે આર્શીવાદરૂપ છે તેમ જણાવ્યું હતું.

(1:01 pm IST)