Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ગોંડલમાં પીજીવીસીએલએ ખેતરોમાં મીટર રીડિંગ જોયા વગર જ વીજ બીલ જનરેટ કરી નાખતા રોષ

ઉનાળુ પિયતની સિઝન હોય વીજ વપરાશ ૬૦ થી ૭૦ યુનિટ થતો હોય છે જેની જગ્‍યાએ ઓફિસે કે ઘરે ટાઢા છાયે બેસી સરેરાશ ૩૦ યુનિટના બિલ જનરેટ કરી નાખ્‍યાંના આક્ષેપો થયા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૯: ધોમધખતા તાપમાં ખેડૂતો કપરી મહેનત કરી પોતાની ખેતપેદાશો ઉભી કરી રહ્યા છે ત્‍યારે અત્રેના પીજીવીસીએલના કેટલાક કર્મચારીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં જઈ મીટર રીડીંગ જોયા વગર જ વીજબીલ જનરેટ કરી નાખતા વ્‍યાપક રોષ ફેલાવા પામ્‍યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગંજીવાડા રોડ પર ખેતર વાળા મેલડી માતાજી મંદિર નજીક વાડી ખેતર ધરાવતા વિનુભાઈ છગનભાઈ રૈયાણી, વલ્લભભાઈ મોહનભાઈ માલવિયા, પ્રવીણભાઈ છગનભાઈ રૈયાણી, જમુનાબેન ઠુમર, પરેશભાઈ ગોરધનભાઈ પાનસુરીયા, રાજુભાઈ ગોરધનભાઈ પાનસુરીયા સહિતના ખેડૂતોને કંટોલિયા ફીડર માંથી વીજ કનેક્‍શન પુરુ પાડવામાં આવતું હોય છે પીજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા મહિને - બે મહિને મીટર રીડિંગ કરી બિલ આપવામાં આવતું હોય છે, પરંતુ હાલ સૂર્યદેવ પોતાની ચરમ સીમાએ તપી અગન ગોળા વરસાવી રહ્યા છે ખેતરોમાં કામ કરવું પણ મુશ્‍કેલ બની રહ્યું છે ત્‍યારે અત્રેના પીજીવીસીએલ તંત્રએ ખેડૂતોની મજાક ઉડાવવા સમાન કામ કરી ખેડૂતોના ખેતરમાં મીટર રીડીંગ જોયા વગર જ વીજ બીલ જનરેટ કરી દેતા ખેડૂતોમાં વ્‍યાપક રોષ ફેલાવા પામ્‍યો છે.  આ તકે ખેડૂતોએ જણાવ્‍યું હતું કે ઉનાળુ પિયતનો સમય ચાલી રહ્યો છે સમયસર પાવર પણ મળી રહ્યો નથી તેમ છતાં પણ આશરે ૬૦ યુનિટ જેવો પાવર વપરાયો છે, જયારે પીજીવીસીએલના કર્મચારીઓએ સ્‍થળ ચકાસણી કર્યા વગર જ માત્ર ૩૦ યુનિટના વીજબીલ જનરેટ કરી નાખ્‍યા છે આવું કરવાથી આવતા મહિને આવનાર બીલમાં તોતિંગ વધારો થઈ જશે જે બિલ ખેડૂતોને ભરવું મુશ્‍કેલ બને તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થશે.

 બનાવ અંગે કેટલાક ખેડૂતો દ્વારા પીજીવીસીએલના ચૌહાણ અને વિરાણી સહિત નાં અધિકારીઓ ને લાઈવ વિડિયો કોલ કરીને મીટરના રીડિંગ બતાવવામાં આવ્‍યા હતા ત્‍યારે અધિકારીઓએ પણ સ્‍વીકાર્યું હતું કે ક્‍યાંક કોઇ કર્મચારીની ક્ષતિ રહી જવા પામી છે ઉલટુ કર્મચારીઓને આદેશ આપવાના બદલે ખેડૂતોને અરજી કરી દેવા જણાવાયું હતું સામે ખેડૂતોએ પણ કહ્યું હતું કે ભૂલ તમારા કર્મચારીઓની છે અમે શા માટે અરજી કરી એ ?

કેટલાક ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે સરકાર દ્વારા માત્ર ૬૦ પૈસામાંજ ખેડૂતોને એક યુનિટ વીજળી આપવામાં આવી રહી છે વાસ્‍તવમાં વીજબિલ ચકાસવામાં આવે તો રૂપિયા ૬ લેખક બિલ બનાવવામાં આવી રહ્યા છે. અને તેમાં પણ જો બે ચાર મહીના ના સાથે બીલ આવે તો કેટલા ગણું બિલ ભરવાનું થાય તે સમજી શકાય તેવી વસ્‍તુ છે. આ અંગે જવાબદાર વ્‍યક્‍તિઓ સામે યોગ્‍ય કાર્યવાહી થાય તેવી અંતમાં માંગ કરી હતી.

(11:42 am IST)