Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

આગામી તા.૧૨ના રોજ સૌરાષ્ટ્રના ઉદ્યોગોના પ્રશ્ને રાજકોટ ખાતે દિલ્‍હીના મુખ્‍યમંત્રી અને આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ જુદા - જુદા ઉદ્યોગ સંગઠનો સાથે ગ્રુપ બેઠક યોજી ત્‍યારે

કેજરીવાલની ઉદ્યોગકારો સાથે ગ્રુપ મિટિંગમાં મોરબી સિરામીક એસોસિએશન હાજર નહીં રહે

મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ મુકેશ કુંડારિયાએ જણાવ્‍યું હતું કે, સિરામીક ઉદ્યોગકારો આ બેઠકમાં ભાગ લેવા નહિ જાય.

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૯: આગામી તા ૧૨. મે ના રોજ રાજકોટ આવી રહેલા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રના વિવિધ ઉદ્યોગોને પડતી મુશ્‍કેલી અંગે ગ્રુપ મિટિંગ યોજી મોરબી સિરામીક એસોશિએશનને પણ આમંત્રણ પાઠવ્‍યું છે. જો કે, મોરબી સિરામીક એસોસિએશન દ્વારા આ ગ્રુપ મિટિંગમાં જવાનો સ્‍પષ્ટ ઇન્‍કાર કરી આપ સાથે અંતર જાળવ્‍યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાઉન્‍ટ ડાઉન વચ્‍ચે શાસક ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને ગુજરાતની ગાદી કબ્‍જે કરવાના સ્‍વપ્‍ન સાથે આમ આદમી પાર્ટી તાકાતથી કામે લાગી છે ત્‍યારે આગામી તા.૧૨ના રોજ સૌરાષ્ટ્રના ઉદ્યોગોના પ્રશ્ને રાજકોટ ખાતે દિલ્‍હીના મુખ્‍યમંત્રી અને આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ જુદા - જુદા ઉદ્યોગ સંગઠનો સાથે ગ્રુપ બેઠક યોજી છે. આ ગ્રુપ બેઠકમાં હાજર રહેવા મોરબી જિલ્લા આપ સંગઠન પ્રમુખ વસંતભાઈ ગોરીયાએ મોરબી સિરામીક એસોશિએશનને પણ આમંત્રણ પાઠવ્‍યું છે.
જો કે, આમ આદમી પાર્ટીના આમંત્રણ બાદ સિરામીક ઉદ્યોગકારો અરવિંદ કેજરીવાલને મળશે કે કેમ તે અંગેના સવાલનો જવાબ આપતા મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ મુકેશ કુંડારિયાએ જણાવ્‍યું હતું કે, સિરામીક ઉદ્યોગકારો આ બેઠકમાં ભાગ લેવા નહિ જાય.
નોંધનીય છે કે, હાલમાં કેન્‍દ્ર, રાજયમાં ભાજપ શાસનમાં હરહંમેશ મોરબી સિરામીક એસોસિએશન શાસકો સાથે જ રહ્યું છે અને રાજકીય મહાનુભાવોની રજતતુલા સહિતના કાર્યક્રમો કરવા છતાં ગેસના ભાવ વધારા સહિતના પ્રશ્નો હોય એ સંજોગોમાં જો વિરોધી પાર્ટીને મળે તો ઉદ્યોગ જગતને નુકસાન ભોગવવું પડે તેવો ડર પણ સતાવી રહ્યાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

 

(11:02 am IST)