Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

મોરબીના અશોકપરી ગોસ્વામીના મોતના બનાવમાં બે શખ્સો સામે અપરાધ મનુષ્ય વધનો ગુન્હો

હુમલાના ડરથી ત્રીજા માળેથી છલાંગ લગાવતા વિજવાયર ઉપર પટકતા મોત નીપજ્યું : અબુમુસા અને રાજીયા પરમાર સામે પોલીસમાં ફરીયાદ

મોરબી,તા.૯ : મોરબીના નવલખી રોડ પરના લાયન્સનગરમાં ભાડાનું મકાન ખાલી કરાવવા બાબતે થયેલ માથાકૂટ બાદ બે શખ્શોએ યુવાનને ધમકાવ્યો હોય અને માર મારવાના ઈરાદે આવ્યા હોય જેથી ડરી ગયેલા યુવાને ત્રીજા માળે ગેલેરીમાંથી કુદકો માર્યો હતો અને વીજશોક લાગતા યુવાનનું મોત થતા પોલીસે બે શખ્સો સામે અપરાધ મનુષ્ય વધનો ગુન્હો દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી દક્ષાબેન ગોસ્વામીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ અશોકપરી ગોસ્વામી (ઉ.વ.૩૭) ને અગાઉ ફ્લેટમાં રહેતા સુરજભાઈ ગઢવી અને અન્ય સાથે ઝઘડો થયો હતો અને આ બાબતનો ખાર રાખી અબુ મુસાભાઈ અને રાજીયો પરમાર ફ્લેટે મરવા આવવાના છે તેવી જાણ થઇ હતી અને રાત્રીના સાડા અગિયારના સુમારે બંને ઈસમો હાથમાં લાકડાના ધોકા લઈને આવતા હોય જેથી ફરિયાદીના પતિ અશોકપરી ગોસ્વામી અને તેના મિત્રોને બીક લાગતા પતિ અશોક અને મિત્ર મનોજ ઉપરના ધાબા બાજુ દોડીને ભાગવા લાગ્યા હતા અને ગૌરાંગ નીચેના માળે ભાગી ગયા હતા અને દરમ્યાન ફરિયાદીના પતિ અશોકપરી બે શખ્શો માર મરવા આવતા હોય જેથી ડરી જતા ત્રીજા માળે ગેલેરીમાંથી કુદી પાડતા તેને ઇલેકિટ્રક લાઈનના તાર પર પડતા ઇલેકિટ્રક શોર્ટ લાગ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવને પગલે બંને ઈસમો વિરુદ્ઘ ૩૦૪, ૫૦૪,૧૧૪ અને જીપી એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(1:33 pm IST)