Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

લોકડાઉન વચ્ચે ભાવનગરમાં કોરોનાના ૧૮ પોઝીટીવ કેસથી દોડધામ

પ૦થી વધુ ઉમરના ૧૧ દર્દીઓ સારવારમાં: પોલીસવડાની આગેવાનીમાં જુદા-જુદા વિસ્તારોમાં નિરીક્ષણ

ભાવનગરનાં કલ્સ્ટર કોરોન્ટાઇન વિસ્તારમાં રેન્જ આઇ. જી. અને જીલ્લા પોલીસવડાએ એલ. સી. બી., એસ. ઓ. જી. સહિતના કાફલા સાથે રાઉન્ડ લઇ આ વિસ્તારનાં આગેવાનો સાથે મુલાકાત લઇ સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. આઇ. જી. અશોકકુમાર યાદવ, એસ. પી. જયપાલસિંઘ રાઠોડનાં કાફલા સાથે ડ્રોન કેમેરા પણ સાથે રખાયા હતાં. (વિપુલ હીરાણી)

ભાવનગર તા. ૯ :.. ભાવનગરમાં કોરોના ભયનો માહોલ ઉભો કર્યો છે. કોરોના પોઝીટીવની સંખ્યા ૧૮ એ પહોંચી જતાં ચિંતાનો માહોલ સર્જાયો છે. અને દોડધામ મચી ગઇ છે. લોકડાઉન વચ્ચે પણ કોરોનાનાં પોઝીટીવ કેસની સંખ્યાનો ગ્રાફ સડસડાટ ઉપર જઇ રહ્યો હોય ખળભળાટ મચી જવા પામ્યો છે.

કોરોના વાઇરસે ભાવનગરમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. ભાવનગરમાં પોઝીટીવ કેસોની સંખ્યા ૧૮ સુધી પહોંચી ગઇ છે. અત્યાર સુધી બે નાં મોત પણ નિપજયા છે. આરોગ્ય વિભાગનાં જણાવ્યા મુજબ લોકલ ટ્રાન્સમીશનના લીધે કેસની સંખ્યા વધી રહી છે. શહેરનાં કાજીવાડ, સાંઢીયાવાડ નજીકનાં તેમજ રૂવાપરી રોડ, ભીલવાડા વિસ્તાર હાલમાં બ્લોક જ કરી દીધેલ છે. જયારે રોજ રોજ મોટી સંખ્યામાં સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.

ભાવનગરમાં હોમ કોરોન્ટાઇન રાખેલા કુલ ર૪૯ લોકો છે તેમાં ર૪૬ મહાપાલીકા વિસ્તારમાં અને ૩ ગ્રામ્ય વિસ્તારનાં છે. જયારે ૧૪ દિવસનાં હોમ કોરોન્ટાઇન પુર્ણ કર્યા હોય તેવા મહાપાલીકાનાં ૪પ૯ અને ગ્રામ્ય વિસ્તારનાં ૧૭૪ મળી કુલ ૬૩૩ લોકો છે. ભાવનગરમાં વહીવટી તંત્ર એ કોરોન્ટાઇન ફેસેલીટી ઉભી કરી છે. તેમાં મહાપાલીકા વિસ્તારનાં ૭૦ અને ગ્રામ્યનાં ૯ મળી કુલ ૭૯ લોકો છે.

ભાવનગરમાં પ૦ થી વધુ વયનાં લોકોને  કોરોનાની અસર વધુ કરે છે. ભાવનગરમાં જે આંકડા છે તે મુજબ ર૧ થી પ૦ વર્ષની વય જુથનાં ૧૧ દર્દીઓ છે ભાવનગરમાં હજુ સુધી એકપણ બાળક કે કિશોર દર્દી નથી. ભાવનગરનાં આગેવાનોએ લોક ડાઉનનો ચુસ્ત અમલ કરવા અપીલ કરી છે.

(11:00 am IST)