Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

લોકડાઉનમાં પકડાયેલા વાહનોને દંડ ફટકાર્યા વગર છોડવા માગણી

વિજયભાઇ રૂપાણી, આર.સી. ફળદુને પત્ર પાઠવીને રાજૂલાના કોંગ્રેસના ધારાસભ્યની રજૂઆત

રાજુલા તા. ૯ :.. રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુને પત્ર પાઠવીને લોકડાઉન દરમિયાન પકડાયેલા ટુ વ્હીલરોને લોકડાઉન પુર્ણ થયા બાદ દંડ ફટકાર્યા વગર ફ્રીમા છોડવા માગણી કરી છે.

ધારાસભ્ય અંબરીશભાઇ ડેરએ વધુમાં જણાવ્યું છે કે કોરોના મહામારીના કારણે દેશમાં લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે સરકારશ્રી દ્વારા કામ વગર બહાર ન નીકળવું તેવી સ્પષ્ટ સુચના છે, પરંતુ લોકોને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે નિશ્ચિત સમય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે, પરંતુ ઘણા લોકો કારણ વગર ટુ - વ્હીલરો લઇને ફરતા પકડાયેલા અને તેમની ટુ-વ્હીલરો પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા નિયમ મુજબ પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ સ્થિતિમાં આપણે સમજી શકીએ કે ર૦ ટકા લોકો જાણી જોઇને કારણ વગર બહાર ફરવા નિકળ્યા હશે અને તેની બાઇકો ડીટેઇન કરી હશે, પરંતુ ૮૦ ટકા લોકો તો એવા છે કે જેઓ ખરેખર સાધન - સામગ્રી લેવા માટે જરૂરી સેવાઓનો લાભ લેવા માટે જુદી જુદી જગ્યાએ જતા હતા અને તેઓની બાઇકો ડીટેઇન કરવામાં આવેલી છે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

લોક ડાઉનની અમલવારી થાય તે માટે લોકોની બાઇકો અત્યારે છોડવી જરૂરી નથી પરંતુ લોક ડાઉન સમાપ્ત થયા બાદ આ ટુ - વ્હીલરોને કોઇપણ પ્રકારના ચાર્જ લીધા વગર ફ્રીમાં છોડી દેવી જોઇએ તેવી માંગણી ધારાસભ્ય અંબરીશભાઇ ડેરએ કરી છે.

(9:58 am IST)