Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ખેડૂતો પાસેથી ૯૧.૮૮ કરોડનું પ્રિમીયમ વિમા કંપનીઓએ મેળવ્યુઃ ચુકવી નજીવી રકમ

સુરેન્દ્રનગરના ખંભલાવના ખેડૂતે RTI હેઠળ માંગેલ માહિતીમાં પોલ ખુલી

વઢવાણ, તા.૯:  સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોમાસામાં વરસાદ નહીવત થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો આવ્યો હતો. જેમાં પાક વીમાની રકમ ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે. જેમાં જિલ્લાના ૬૨,૩૯૮ ખેડૂતોએ પાક વીમા પેટે રૂપિયા ૩૦.૬૨ કરોડ જેટલી રકમ વીમા પ્રીમીયમ પેટે આપી હોવાની વિગતો ખંભલાવના ખેડૂતે કરેલી આરટીઆઇમાં બહાર આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ખરીફ સીઝનમાં વરસાદ ઓછો પડતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા. પરંતુ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત પાક વિમો લીધો હોય રકમ મળશે તેવી ખેડૂતોને આશા હતી. પરંતુ પાક વીમાની રકમ અમુક ખેડૂતોને ન મળતા અને જેને મળી છે તેને નજીવી રકમ મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આથી ક્રાંતી સંગઠ્ઠનના નેજા હેઠળ ખંભલાવના ખેડૂત ભરતસિંહ ઝાલાએ એસબીઆઇ બેંક થકી ખેડૂતોએ ભરેલ પાક વીમાના પ્રીમીયમની માહિતી માંગી હતી.

જેમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. જિલ્લાના ૬૨,૩૯૮ ખેડૂતોએ પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત પાક વીમો લીધો છે. જેમાં ખેડૂતોએ ૩૦,૬૨,૯૯,૯૫૪ રૂપિયા વીમા કંપનીને પ્રીમીયમ પેટે ચૂકવાયા છે. જયારે આટલી જ રકમ રાજય સરકારે અને કેન્દ્ર સરકારે આપતા જિલ્લામાં ૬૨,૩૯૮ ખેડૂતોના વીમા પ્રીમીયમ પેટે કુલ રૂપિયા ૯૧,૮૮,૯૯,૮૬૩ જેટલી માતબર રકમ વીમા કંપનીએ લીધી છે. જયારે તેની સામે નજીવી ૬ ટકા જેટલુ વળતર ચૂકવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ અંગે ભરતસિંહ ઝાલાએ જણાવ્યુ કે, જે ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત પાક વીમો લીધો હોય અને કુદરતી આપતીને લઇને પાક નિષ્ફળ જાય તો પાક ધીરાણની રકમ પણ વીમા કંપનીએ બેંકમાં ભરપાઇ કરવાની હોય તેનો અમલ કરાવવા અમારી માંગણી છે.

(11:50 am IST)