Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કચ્છ કોંગ્રેસમાં ભંગાણઃ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા, એનએસયુઆઈના યુવા નેતા ૨૦૦ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા

પુરૂષોત્ત્।મ રૂપાલાની હાજરીમાં કેસરિયા કર્યા

ભુજ, તા.૯: કચ્છ લોકસભાની ચૂંટણી દરમ્યાન રાજકીય માહોલ હવે ધીરે ધીરે ગરમ બની રહ્યો છે. કચ્છ કોંગ્રેસ સામે મુસ્લિમ સમાજના મોટા ગજાના નેતાઓ પોતાની નારાજગી જાહેરમાં વ્યકત કરી ચુકયા છે. પૂર્વ કચ્છના વગદાર આગેવાન પૂર્વ પ્રદેશ મંત્રી જુમા રાયમાની નારાજગી, ભુજમાં વર્ચસ્વ ધરાવતા પૂર્વ પ્રદેશ મંત્રી આદમ ચાકીની નારાજગી અને અબડાસાના જાગૃત નેતા પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહિમ મંધરાની નારાજગી કોંગ્રેસના મોરબી કચ્છ લોકસભાના ઉમેદવાર નરેશ મહેશ્વરી માટે મુશ્કેલી સર્જી શકે છે. ત્યારે બીજા આગેવાનોની બહાર આવી રહેલી નારાજગી પણ કચ્છ કોંગ્રેસને ભારે પડી શકે છે.

ગઈકાલે કચ્છમાં ભાજપના પ્રચાર પસાર માટે આવેલા પુરુષોત્ત્।મ રૂપાલાની ઉપસ્થિતિ માં કચ્છ કોંગ્રેસના પીઢ અને યુવા આગેવાનોએ  કોંગ્રેસ છોડીને કેસરિયા કર્યા હતા. જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા દેવેન્દ્રસિંહ જેઠવા તેમના પુત્ર અને એનએસયુઆઈના યુવા નેતા યશપાલસિંહ જેઠવા તેમના ૨૦૦ જેટલા ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા. કચ્છ ભાજપ વતી જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, રાજયમંત્રી વાસણભાઇ આહીર, વરિષ્ઠ નેતા તારાચંદભાઈ છેડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, સાંસદ અને વર્તમાન ઉમેદવાર વિનોદ ચાવડાએ કોંગ્રેસી આગેવાનોને કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા હતા.

(11:42 am IST)