Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

ગુણોત્સવ શિક્ષણના સ્તરને ઉંચુ લાવવાની દિશા સ્પષ્ટ કરે છેઃ અજય ભાદુ

વંથલીના બંટીયા પ્રાથમિક પ્રા.શાળામાં શૈક્ષણિક મુલ્યાંકન કરતા મેરી ટાઇમ બોર્ડના સીઇઓ

જૂનાગઢ તા.૯ જૂનાગઢ જિલ્લામાં આજથી સરકારી પ્રા.શાળામાં રાજય સરકારના શૈક્ષણિક સ્તર સુધારવાના અને પ્રાથમિક શિક્ષણને ગુણવતાયુકત બનાવવાના અભિયાન અંતર્ગત ગુણોત્સવનો પ્રારંભ થયો હતો. જિલ્લાના પ્રભારી સચિવ અને મેરી ટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ શ્રી અજય ભાદુએ વંથલી તાલુકાના બંટીયા ગામની શાળામાં શૈક્ષણિક મુ્લ્યાંકન કરી વિધાર્થીઓની ગણન અને લેખન ક્ષમતા તપાસી હતી.

    બંટીયા પ્રા.શાળામાં ધો.૧થી ૮ના વર્ગો ચાલે છે. શાળાનો પાછલા વર્ષનો ગ્રેડ બી છે. શાળામાં ૮૧ કુમાર અને ૬૫ કન્યા અભ્યાસ કરે છે. વ્યાયામ શિક્ષકની જગ્યા પણ ભરાયેલ છે.સરકારશ્રી દ્વારા શાળામાં તમામ ભૌતિક  અને શૈક્ષણિક સુવિધા આપવામાં આવેલ છે. શાળામાં પાંચ શિક્ષિકા અને બે શિક્ષકો ફરજ બજાવે છે. શાળામાં ગુણોત્સવ સંદર્ભે એસ.એમ.સીના સભ્યો અને વાલીઓએ પણ હાજર રહી રાજય સરકારની શિક્ષણના સ્તરને ઉંચુ લાવવાની તેમજ શિક્ષણના ક્ષેત્રે ગુજરાતનું ભવિષ્ય એવા બાળકોના શૈક્ષણિક વિકાસ માટેની યોજનાની રૂપરેખા અને માહિતી મેળવી હતી.

      આ પ્રસંગે પ્રભારી સચિવ શ્રી અજયુભાદુએ જણાવ્યું હતું કે રાજય સરકાર પાયાના પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે કટીબધ્ધ છે. ગુણોત્સવ  શિક્ષણના સ્તરને ઉંચુ લાવવાની દિશા સ્પષ્ટ કરે છે.શિક્ષકોએ તેમના કર્તવ્યને સમજીને બાળકોના ભવિષ્યના ઘડતર માટે સામાજીક દાયિત્વ નિભાવી સમાજની પ્રગતિ માટે ચાલક બળ પુરુ પાડવાનું છે. સમાજમાં શિક્ષકનું સ્થાન આદર ભર્યું છે.

       બંટીયા પ્રા. શાળા ખાતે સવારના સેશનમાં ભાવનગર પોર્ટના વર્ગ ૧ના અધિકારી મેનેજરે શ્રી હિરેનભાઇ સોંદરવાએ બાળકોની વાંચન ક્ષમતા તપાસી હતી. ત્યારબાદ સચિવ શ્રી અજયભાદુએ પણ શિક્ષકો અને વાલી  સાથે બેઠક કરી શાળા વિશેની માહિતી મેળવી વિધાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા તપાસી હતી.આવતીકાલે તા.૭-૪-૨૦૧૮ના રોજ તેઓ વંથલીના ખોરાસા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લેશે.

        ગુણોત્સવના પ્રારંભે શાળાના આચાર્યશ્રીએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતુ.આ તકે ગામના સરપંચ જગદીશભાઇ બાણગારીયા, એસ.એમ.સી.ના સભ્ય શ્રી રસીકભાઇ , રેખાબેન ગોઠી, દેશાઇ ભાઇ, જેન્તીભાઇ મકાતી, ધીરૂભાઇ આંકોલા , પ્રાંત કચેરીના નાયબ મામલતદાર શ્રી અશોકભાઇ લાખાણી તેમજ વાલી-ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.  (૪૦.૨)                        

(12:10 pm IST)