Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

ઉદ્યોગપતિની સાંઠ-ગાંઠના કારણે મેથળા બંધારાનું કામ સરકારે ટલ્લે ચઢાવ્યું હતું...!

ધોમધખતા તાપમાં શ્રમદાન કરતા જગતાત માટે ફંડ, વાહન અને ભોજન વ્યવસ્થામાં વધારોઃ જગતાતને પ્રોત્સાહન પુરૂ પાડવા સૌરાષ્ટ્રના ત્રણ નામાંકીત સેવાભાવી ડોકટરોએ સ્થળ પર જઇ લીધી મુલાકાતઃ જેસીબી ફાળવ્યુ

ભાવનગર તા. ૯ :.. રાજય સરકાર ભલે હજારો  ખેડૂતોની માગણીને ટલ્લે ચઢાવે....! પરંતુ તળાજાના મેથળા ખાતે મીઠાપાણીનો બંધારો બનાવવા માટે ધોમધખતા તાપને સહન કરી પરસેવો પાડનારા જગતાતને રાજયભરમાંથી મદદ કરવા માટે લોકો સ્વંય જોડાઇ રહ્યા છે. ઉત્સાહમાં વધારો  કરી રહ્યા છે.  મુલાકાતીઓને આજે સરકાર પર આક્ષેપ કરતા અહીંના લોકોએ જણાવ્યું હતું કે હજારો ખેડૂતોની વીસ-વીસ વર્ષથી માંગ ન સંતોષવાનું કારણ ઉદ્યોગપતિઓની સાંઠ-ગાંઠ છે.

તળાજા-મહુવા તાલુકાના દરીયા કિનારાના પંદર ગામના હજારો લોકો, ખેડૂતોએ સ્વંય મેથળા બંધારાનું નિર્માણ કાર્ય પુરૂ જોશમાં શરૂ કરી દિધાના ત્રીજા દિવસે સ્વયંભુ રીતે શ્રમદાનમાં જોડાયેલ ખેડૂતોનો ઉત્સાહ વધે તે માટે રાજયભરમાંથી  સેવાભાવી સંસ્થાઓ, આગેવાનો, લોકો સ્વંય જોડાઇ રહ્યા છે. મેથળા બંધારા બાંધવાના સ્થળની મુલાકાત લઇ બંધારો શરૂ કહેવાય તેના કાયદાઓ શું ? તેની જાત માહીતી પણ લઇ રહ્યા છે.

બંધારાના અભ્યાસુ યુવાન ભરતભાઇ ભીલ (કોટડા) ના કહેવા પ્રમાણે હજારો ખેડૂતોની માંગ ન ગણ્ય કરીને સતત બંધારાના કામને કોઇના કોઇ બહાને ટલ્લે ચઢાવવાનું કારણ સરકાર અને સરકારના ઉચ્ચ અમલદારોની ઉદ્યોગપતિ અલ્ટ્રા-ટ્રેક સિમેન્ટ સાથેની સાંઠ ગાંઠ છે.

સરકારને પંદરથી વધુ ગામના હજારો ખેડૂતો, ખેત મજૂરો, અન્ય ધંધાદારીઓ પોતાના પરીવાર સાથે રહી અહીં ખેતી કરે તે મંજૂર નથી., સરકારને ખેડૂતો, ખેત મજૂરોની પડી હોત તો આજે મીઠાપાણીનું વિશાળ સરોવર હોત અને અહીંના ખેતરો લીલાછમ્મ હોત.

આજે સદ્ભાવના ટ્રસ્ટના નેજા નીચે ચાલતી કળસાર અને વડલી હોસ્પીટલના એમ. ડી. અને સેવાભાવી ડો. પ્રવિણભાઇ બલદાણીયા, સંસ્થાના સ્થાપક મુક સેવક ડો. કનુભાઇ કળસારીયા, મોરબીના આંખના સેવાભાવી ડો. વીરાભાઇ કાતરીયાએ બંધારો બનાવતા જગતાતની મુલાકાત લઇ પ્રોત્સાહન પુરૂ પાડી જયાં સુધી કામ ચાલે ત્યાં સુધી એક જેસીબી સેવા અર્થે મોકલવાની જાહેરાત કરી હતી.

નીચા કોટડા ગામના રત્ન કલાકારો એ એસો.ના પ્રમુખ રઘુભાઇ ભીલના માર્ગદર્શન નીચે શ્રમદાન કરતા લોકોને ભોજનની વ્યવસ્થા કરી આપેલ છે. ઉપરાંત ઉંચા કોટડા સ્થિત માં ચામુંડાના મંદિરના સંચાલકો પણ પોતાના વિસ્તારના ખેડૂતો, ખેત મજૂરો માટે જોઇએ તેટલા ભોજનની વ્યવસ્થાની ખાત્રી આપી હોવાનું ભરતભાઇ ભીલ તથા શીવાભાઇ રબારી (તલ્લી) ને જણાવ્યું હતું.

દાનનો પ્રવાહ પણ વહી રહ્યો છે. આજે પણ બે જેસીબી, વીસ જેટલા ટ્રેકટરો દ્વારા પાળાનું કામ આગળ વધારતા આશરે પ૦૦ મીટર જેટલો કાચો પાળો બંધાયો છે.

ઘરે ઘરે જઇને ફાળો  ઉઘરાવીશું પરંતુ બંધારાનું  કામ અટકવા નહી દઇએ

જળ, જંગલ અને જમીન બચાવના સુત્રોને જીવનમાં સાર્થક કરી સરકાર સામે લડત આપી રહેલા ગભાદાદા દયાળ ગામના વતની અને હાલ સરપંચ છે.તેઓ ૭૦ વર્ષની વયે પણ આજે મેથળા બંધારો બનાવવા માટે એક તરવરીયા યુવાનની જેમ કામ કરી રહયા છે. તેઓ બંધારાના મુખ્ય પ્રણેતામાના એક મોભી છે. તેઓએ કહયું હતું કે ઘરે-ઘરે જઇ ફાળો ઉઘરાવીશું પરંતુ બંધારાનુ કામ અટકવા નહી દઇએ. સરકાર જયારે અહીયા નક્કર કામગીરી શરૂ કરશે ત્યાં કામગીરી  અટકશે.

અધધ... પાંચ હજાર  વિઘા જમીન પ૦ વર્ષ  માટે માઇનીંગ માટે આપી

મેથળા બંધારાના અભ્યાસુ અને નાનીવયના આગેવાન ભરતભાઇ ભીલ પ્રમાણીત નકલો આધાર પુરાવા રજુ કરવાની સાથે કહે છે કે સરકારે પંદર ગામના લોકોની સુનાવણી વખતે સ્પષ્ટના હોવા છતા અલ્ટ્રાટ્રેક સિમેન્ટને પચાસ વર્ષની સમય મર્યાદા સાથે પાંચ હજાર વિઘામાં તલ્લી, બાંભોર, નીચ-ઉંચા કોટડા દયાળ અને કપલારમાં માઇનીંગ કરવાની પરવાનગી આપી દીધી છે. પરંતુ અમારો જીવનમંત્ર છે કે અલ્ટ્રાટ્રેક હટાવો-બંધારો બનાવો-બંધારો બનતા જ હજારો વિધામાં મીઠા પાણીનું સરોવર જોવા મળશે.

કોઇ ચા લાવે છે તે કોઇ  મોરસ, દૂધ અને પાણી

ધોમધખતા તાપમાં દરીયાના પાણીની ખારાશ દૂર કરીને મીઠા પાણીનો બંધારો બનાવવા અને આજના પરબ માઇનીંગ ન કરવાની નેમ સાથે શ્રમદાન કરતા લોકોને આસપાસના તમામ ગામડઓથી લઇ રાજયમાંથી સમર્થન મળતુ થયું છે. આજે જોવા મળ્યું હતું કે કોઇ ચા લાવે છે તો કોઇ દૂધ, ખાંડ અને પાણીની તો કોઇ નાસ્તાની વ્યવસ્થા કરી રહ્યું છે.  (પ-૧ર)

 

(12:02 pm IST)