Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

લાઠી તાલુકાના અકાળા ગામે પ્રાકૃતિક કૃષિ શિબિર અને પ્રદર્શનઃ રાજયપાલની ઉપસ્થિતિ

રાજુલા-દામનગર-અમરેલી, તા.૯: રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સમૃદ્ઘ અને આત્મનિર્ભર કિસાન થકી જ આત્મનિર્ભર ભારતનુ નિર્માણ શકય છે.

રાજયપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીમાં ગીર ગાયનું મહત્વ સ્થાપિત કરતા જણાવ્યું હતું કે પ્રત્યેક કૃષિકાર સુધી પ્રાકૃતિક ખેતી પહોંચાડવા માટે ભારતીય કિસાન સંદ્યે પ્રયત્નશીલ બનવું જોઈએ. પર્યાવરણ જાળવણી, ગૌવંશનું સંવર્ધન અને ખેડૂતોને ખુશહાલ બનાવવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે, એમ જણાવતાં રાજયપાલશ્રીએ એ અકાળા ગામથી આરંભાયેલ પ્રાકૃતિક ખેતી અભિયાનને શુભેચ્છા પાઠવી હતી. રાજયપાલશ્રી એ ગીર ગાયના ગુણો, જીવામૃત બનાવવાની રીત, પ્રાકૃતિક ખેતીના અનુભવો, વગેરેની અસરકારક રજૂઆત કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. એક ગીર ગાયના નિભાવ  માટે ૯૦૦ રૂપિયા રાજય સરકાર દ્વારા દર મહિને આપવામાં આવે છે, તેમ જણાવી ડીસેમ્બર-૨૦૨૦ સુધીમાં ૪૮ કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવ્યા છે, તેમ રાજયપાલશ્રીએ સહર્ષ ઉમેર્યું હતું.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે કાર્યક્રમ સ્થળે આયોજિત કૃષિ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અને રસપૂર્વક કૃષિપેદાશો નિહાળી હતી.

રાજયપાલશ્રી તથા અન્ય ઉપસ્થિતોના હસ્તે દીપપ્રાગટયથી કાર્યક્રમ શુભારંભ થયો હતો.

અગ્રણીશ્રી રાકેશ દુધાતના સ્વાગત પ્રવચન બાદ સ્વામીશ્રી ધર્મવલ્લભદાસજી, અકાળાના શ્રેષ્ઠીઓ અને અન્ય મહાનુભાવોએ સ્મૃતિ ચિન્હ, હળ,  સજીવ ખેતીની ઉપજ, વગેરેથી બહુમાન કર્યું હતું.

રાજયપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા  પ્રાકૃતિક  ખેતી સાથે સંકળાયેલા અન્ય હસ્તીઓનું સન્માન કર્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવો મુખ્ય સ્ટેજ પરથી વર્ણવ્યા હતા અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો.

શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ નિલકંઠધામ, પોઇચા તથા શ્રી નીલકંઠ યંગ ફેડરેશન ચેરીટેબલ ટ્રસ્ટ, અકાળા દ્વારા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામ ખાતે આયોજિત પ્રાકૃતીક કૃષિ સેમિનાર અને પ્રદર્શનમાં દિવ્યાબેન ત્રીવેદીએ સ્તુતિગાન રજૂ કર્યું હતું. અકાળા ગામના ખેડૂતોએ ૫૦૦ વીદ્યા જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ રાજયપાલશ્રી સમક્ષ વ્યકત કર્યો હતો.

આ કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા કલેકટરશ્રી  આયુષ ઓક, પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય, પ્રાંત અધિકારીશ્રી ઉંધાડ, સરપંચ શ્રી ધીરુભાઈ ખૂંટ, અગ્રણી શ્રી પ્રફુલભાઈ સેંજલીયા, વિઠ્ઠલભાઈ દુધાત્રા, પ્રવીણભાઈ આસોદરીયા, ધનજીભાઈ રાખોલિયા, કરસનભાઈ ગોંડલીયા, મયુરભાઈ હિરપરા, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:13 pm IST)