Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

બંધ પડેલી ટ્રેઇનોએ કેશોદ રેલ્વે સ્ટેશનની સ્થિતિ પલ્ટાવી નાખી

દસ હજારના બદલે અત્યારે માંડ ૧પ-ર૦ મુસાફરો આવજા કરે છે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૯ :.. ગયા માર્ચ માસથી લોક ડાઉનના કારણે બંધ પડેલી ટ્રેઇનોએ સ્થાનિક કેશોદ રેલ્વે સ્ટેશનની સ્થિતિ પલ્ટાવી નાખી છે આ રેલ્વે સ્ટેશન ઉપરથી લોક ડાઉન પહેલા દરરોજ આશરે દસ હજાર મુસાફરો આવજા કરતા તેના બદલે અત્યારે માંડ ૧પ થી ર૦ મુસાફરો આવ-જા કરે છે તેના સીધા પરિણામ રૂપે આ એરીયામાં પોતાનો ધંધો કરતા વ્યાપારીઓ અને ફેરીયાઓ પણ બેકાર બન્યા છે.

ગયા માર્ચ માસની ર૩ તારીખથી કોરોનાના કારણે લોકડાઉન જાહેર થયુ ત્યાં સુધી આ રેલ્વે સ્ટેશન ઉપરથી (૧) વેરાવળ - રાજકોટ (ર) વેરાવલ-અમદાવાદ (૩) સોમનાથ-જબલપુર (૪) વેરાવળ-રાજકોટ (પ) સોમનાથ-અમદાવાદ (રાજકોટ થી લીંક ટ્રેઇન) (૬) વેરાવળ - રાજકોટ (૭) વેરાવળ-અમદાવાદ દરરોજ અને દર ગુરૂવારે ત્રિવેન્દ્રમ અને શનિવારે પુના બન્ને સાપ્તાહિક ટ્રેઇનો અને વેરાવળ-બાંદ્રા રોજીંદી પરંતુ તેનો સ્ટોપ કેશોદમાં હતો આમ દરરોજ ૧૪ રેઇન અને બે સાપ્તાહીક ગુરૂવાર અને શનીવાર ત્થા ૧ વેરાવળ - બાંદ્રા નિયમીત પસાર થતી અને આ ટ્રેઇનો દ્વારા દરરોજ આશરે દસેક હજાર મુસાફરોની આવજા થતી આ મુસાફરોમાં એકાદ હજાર તો પાસ ધારકો હતા કે જેઓ જુનાગઢ નહિ છેક રાજકોટ સુધી દરરોજ આવ-જા કરતા નાના ધંધાર્થીઓ ટ્રેઇનો ના સમય દરમિયાન પોતાની આજીવીકા રળી લેતા.

આ ટ્રેઇનો બંધ થતા સૌથી ખરાબ સ્થિતી તો રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ દુકાનવાળાઓની થઇ છે મુસાફરોની આવ-જા બંધ થતા આ દુકાનદારોના ધંધા પણ લગભગ બંધ જેવા છેક ગયા માર્ચ માસથી થઇ ગયા છે જેમાં જેની અંગત માલિકીની જગ્યા છે તેઓ તો જેમ તેમ કરી પોતાનું ચલાવે છે પરંતુ ભાડે જગ્યા લઇ અને પોતાનો ધંધો ચલાવતા હતા તેવા લોકો તો કયારના પોતાનો ધંધો સંકેલી જતા રહ્યા છે. અત્યારે છેલ્લે...છેલ્લે... (૧) જબલપુર અને રાત્રીના સોમનાથ - અમદાવાદ ટ્રેઇન શરૂ થયેલી છે. પરંતુ તેમાં માંડ ૧પ-ર૦ મુસાફરોની આવ-જા થાય છે. અને આ ૧પ-ર૦ મુસાફરો પણ મોટી ઉંમરના અગાઉથી પોતાની ટીકીટનું રીઝર્વેશન કરાવવા વાળા હોય છે કે જેઓ બહારનું ખાવા પીવા માટે ટેવાયેલાજ ના હોય. અગાઉથી રીઝર્વેશન કરાવવાનુ, પાસવાળા મુસાફરોનો અભાવ, રેલ્વે ભાડામાં અસહય વધારો, લોકલ ટ્રેઇનોનો અભાવ જેવા અલગ કારણોસર રેલ્વે સ્ટેશન ઉપરના ટ્રાફિક નહિવત થયો છે. લોકડાઉન પહેલા કેશોદ ભકિતનગર રાજકોટ માત્ર ૩પ રૂ. ભાડુ હતુ આજે ૧૩પ રૂ. ભાડુ છે. અને એ પણ અગાઉથી રીઝર્વેશન કરાવેલ હોય તો લોકડાઉન પહેલા તો એવુ હતું કે ટ્રેઇન પ્લેટ ફોર્મ ઉપરથી ઉપડવાની તૈયારીમાં હોય અને મુસાફર ટીકીટ લઇ ટ્રેઇનમાં ઝડપથી બેસી શકતો એ તો  ઠીક પોતાના કોઇ અત્મિયજનને ટ્રેઇનમાં બેસાડવા આવતા લોકો માટે પ્લેટ ફોર્મ ટીકીટના રૂ. દસ હતા તેના પણ હવે સીધા ૩૦ રૂ. થઇ ગયા આવા લોકોની પણ રેલ્વે સ્ટેશન ઉપર આવ-જા ઘટી ગઇ અને તેના સીધા પરિણામ રૂપે મુસાફરોના અભાવે રેલ્વે સ્ટેશન ખાલી ખાલી દેખાય છે. અને રેલ્વે સ્ટેશન નજીકના ધંધાર્થીઓ માટે બેકારીની સમસ્યા ઉભી થયેલી છે. જો કે આ સ્થિતિ માત્ર કેશોદની નથી તમામ રેલ્વે સ્ટેશનોની છે, આ તો માત્ર આવી ઉભી થયેલી સ્થિતિની એક ઝલક છે.

(11:31 am IST)