Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

કચ્છમાં કંપનીઓની મનમાની સામે ખેડૂતોએ કર્યો ચક્કાજામઃ વિકાસના નામે ખેતરોનો વિનાશ

હાઈવે ઉપર ધમાસાણ બાદ પણ કોઈ પ્રજાકીય પ્રતિનિધિઓ ન ફરકયાઃ પોલીસ અને તંત્ર કંપનીઓને ખોળે બેસી જતાં આમ નાગરિકોના નસીબમાં સંઘર્ષ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૯: અત્યારે દિલ્હીના ખેડૂત આંદોલન વચ્ચે કચ્છના નખત્રાણા માં હાઈવે ઉપર ટ્રેકટરની આડશ મૂકી ખેડૂતોએ કરેલા આંદોલને ખળભળાટ સજર્યો છે. પોતાના લીલાછમ ખેતરો માંથી વીજકંપની દ્વારા બળજબરીથી હાઈવોલટેજ વીજ લાઈન પસાર કરવાના મુદ્દે નારાજ ખેડૂતોએ વારંવાર રજુઆત કર્યા છતાં પણ તંત્રએ દાદ ન આપતાં ખેડૂતોએ અંતે ઉગ્ર આંદોલન કરવું પડ્યું હતું. નખત્રાણા ના કોટડા જડોદર ગામે આંદોલન દરમ્યાન ખેડૂતોએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે પોલીસ અને તંત્રના સહયોગથી વીજ કંપનીઓ તેમના ખેતરમાં દ્યૂસી કામગીરી કરી રહી છે. ગઇકાલે આખો દિવસ ચાલેલા આ આંદોલન દરમ્યાન લોકોની નાની મોટી ફરિયાદમાં દોડી જતાં ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા દેખાયા નહોતા. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો દ્રષ્ટિકોણ બદલાયો હોવાની ટીકા થતી રહી હતી. જોકે, લોકોને સાંસદ પણ ન પહોંચ્યા તેનું દુઃખ હતું. કચ્છમાં ઔદ્યોગિક કંપનીઓની મનમાની અને બળજબરી સામે અનેક વખત ફરિયાદો ઉઠી છે. અહીં સવાલ એ જ છે કે, વિકાસ ના નામે આમ નાગરિક, ખેડૂતની પોતાની માલિકીની જમીન અને ગામની ગૌચર જમીનમાં ગેરકાયદે ઘૂસી ઔદ્યોગિક કંપનીઓ વિનાશ કરે છે, તેમ છતાંયે અધિકારીઓ, પદાધિકારીઓ અને સરકાર મૌન છે.

(10:22 am IST)