Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ખંભાળીયામાં ASP પ્રશાંતકુમારે અચાનક ટ્રાફિક ઝૂંબેશ ચલાવતા નાશભાગ મચી

ખંભાળીયા તા. ૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા એ.એસ.પી. તરીકે તાજેતરમાં નિમાયેલા આઇ.પી. એસ. અધિકારી પ્રશાંતકુમાર હાજર થયા પછી બારેક દિવસે ઓચિંતા શહેરના અત્યંત જટીલ એવા ટ્રાફીક પ્રશ્ને ભારે સપાટો બોલાવતા વાહન ચાલકોને દોડતા કરી દીધા હતા. જિલ્લા પોલીસ વડા રોહન આનંદના માર્ગદર્શન હેઠળ એ.એસ.પી. પ્રશાંતકુમારની આગેવાનીમાં શહેર ઇન્ચાર્જ પો.ઇ.ધર્મેન્દ્રસિંહ ગોહીલ દ્વારા પો.સ.ઇ.વાય.જી.મકવાણા તથા પો.સ.ઇ.કે.એન. ઠાકરીયા તથા પોલીસ સ્ટાફ દ્વારા નગરગેઇટ ચાર રસ્તા, રેલવે સ્ટેશન વિ. ત્રણેક સ્થળે એક સાથે પોઇંટ પર પોલીસનું ચેકીંગ કરીને ધડાધડ વાહન ચાલકોને પકડીને કેસ કરતા ભારે દોડધામ વાહન ચાલકોમાં મચી ગઇ હતી તથા ચેકીંગના પોઇંટ ઉપર વાહનોના ઢગલા થઇ ગયા હતા તો એક સાથે આવુ ચેકીંગ થતા મોટા વાહનો લઇને પટકતા ટાબરીયાઓ તો 'છુ' થઇ ગયા હતા.

ઇન્ચાર્જ પો.ઇ.ડી.બી.ગોહીલે જણાવેલ કે ૯ર કેસો એન.સી.ના કરાયા છે જેમાં સ્થળ પર ૭ર૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો જયારે ચાર વાહનો ડીટેન કરાયા હતા તથા ર૮૩ મુજબ ટ્રાફીકને અડચણરૂપ રાખવાના મુદે બે વાહનો સામે કેસ કરી કબજે કરાયા હતા. એ.એસ.પી. પ્રશાંતકુમારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ ટ્રાફીક ઝૂંબેશનું પહેલુ પગલું છે. હવે પછી આનાથી પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તથા નિયમ વિરૂધ્ધ વાહન ચલાવનારા અને ટ્રાફીક નિયમોનું પાલન ના કરનાર સામે કડક કાર્યવાહી થશે

(1:04 pm IST)