Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જસદણ પાલીકામાં ભ્રષ્‍ટાચાર સામે પ્રાદેશિક કમિશનર લાલઘૂમ : જવાબદારોને નોટીસ

(નરેશ ચોહાલીયા દ્વારા) જસદણ,તા.૯ : રાજકોટ પ્રાદેશિક કમિશનર કચેરીના કાર્યપાલક ઈજનેરે જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન વ્‍યાસને નગરપાલિકામાં થયેલ અતિ હલકી ગુણવત્તાવાળા કામો થવા બાબતે કારણદર્શક નોટીસ ફટકારી હતી. જેમાં જણાવ્‍યું છે કે, આ કારણ દર્શક નોટીસથી  જણાવવાનું કે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સંદર્ભિત પત્ર નં.૧ ની વિગતેના પત્રમાં દર્શાવ્‍યા મુજબ વોર્ડ નં.૨ માં વિંછીયા રોડનું કામ, આસોપાલવ પાનથી વિંછીયા બાયપાસ ગેટ સુધી રસ્‍તાનું કામ અતિ નબળું, ડિવાઈડરની નબળી કામગીરી, જીલેશ્વર પાર્કની અંદર નાખેલ પેવર બ્‍લોક, આનંદધામ સોસાયટીમાં શિવ મંદિરનો રોડ, અરવિંદભાઈ પ્રજાપતિવાળી શેરીમાં બનાવેલ નવા રોડ અતિ હલકી ગુણવત્તાવાળા હોવાની રજુઆત કરેલ છે  તેમજ  જુદા-જુદા વિકાસના કામો જેવા કે વેરીંગ કોટ, બોક્ષ કલ્‍વર્ટ, ટ્રી-મીક્ષ સાથે આર.સી.સી. રોડની કામગીરીઓ જુદી-જુદી એજન્‍સીઓ મારફત નબળી ચાલતી હોવાનું અત્રેને જણાવેલ.

સદરહુ તમામ કામો પ્રાથમિક દ્રષ્ટિએ નબળી ગુણવત્તાના હોવાનું માલુમ પડેલ છે. આ બાબતે જે-તે વખતમાં થયેલ કામગીરી ઉપર દેખરેખ રાખનાર ચીફ ઓફિસર તથા મ્‍યુનિસિપલ ઈજનેર દ્વારા કામોની ચકાસણીમાં યોગ્‍ય ધ્‍યાન ન આપેલ હોઈ જેથી આ નોટીસથી તમોને ખાસ તાકીદે જણાવવામાં આવે છે, કે  દિન ૫ માં અસલમાં લેખિતમાં રજુ કરવા તાકીદે નોંધ લેશો.  બધા જ કામોની એજન્‍સીના ચુકવવા પાત્ર થતા બધા જ બીલો, સિકયોરીટી ડિપોઝીટ, પરફોર્મન્‍સ બોન્‍ડ તથા ડિફેક્‍ટ લાયાબલીટીની ડિપોઝીટ રકમો હાલે ચુકવવાપાત્ર જણાતી નથી.

 નગરપાલિકા વિસ્‍તારમાં ચાલતાં કામોની ગુણવત્તામાં સુધારણા અહેવાલ રજુ નહિ થાય તો કાર્યવાહી કરવામાં આવશે જસદણ નગરપાલિકા બેડામાં દોડધામ મચી ગઈ છે. ત્‍યારે હવે એ જોવાનું રહ્યું કે, શું જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને મ્‍યુનીસીપલ ઈજનેર સહિતનાઓ સજાને પાત્ર ઠરશે કે પછી તપાસના અંતે ઘીના ઠામમાં ઘી પડી જશે તે આવનારો સમય જ બતાવશે.

(12:59 pm IST)